દુબઈ, 22 જાન્યુઆરી 2026: આગામી ટી20 વિશ્વકપને લઈને ચાલતી અટકળો વચ્ચે બાંગ્લાદેશની ટીમ મેચ રમવા ભારત આવશે કે લઈને તેના નિર્ણય ઉપર તમામની નજર મંડાયેલી હતી. આઈસીસીએ બાંગ્લાદેશની માંગણી ફગાવી દીધા બાદ વિચારવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. દરમિયાન અને આ સસ્પેન્સ ઉપર પડદો ઉચકાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ઢાકા ખાતે બાંગ્લાદેશ સરકાર અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે મળેલી મહત્વની બેઠક બાદ બાંગ્લાદેશની ટીમ ભારત રમવા નહીં આવે તેવો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે કે તેમની ટીમ ભારતમાં રમાનારા T20 વર્લ્ડ કપના મેચોમાં ભાગ લેશે નહીં. ICC હવે બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરી શકે છે.
બીસીબીના પ્રમુખે સરકાર સાથેની બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં આઈસીસી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “અમે વર્લ્ડ કપ રમવા માંગતા હતા, પરંતુ આઈસીસીએ અમારી મેચો ભારતની બહાર શિફ્ટ કરવાનો ઇનકાર કર્યો છે. આઈસીસીના આ નિર્ણયથી બાંગ્લાદેશના 20 કરોડ લોકો નિરાશ થયા છે. ક્રિકેટ હવે ઓલિમ્પિકમાં જઈ રહ્યું છે, પરંતુ જો અમારા જેવો દેશ ત્યાં ભાગ નહીં લે તો તે આઈસીસીની મોટી નિષ્ફળતા ગણાશે.”
બાંગ્લાદેશી અધિકારીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, “પૂરી બાંગ્લાદેશ ટીમ માટે ભારત અસુરક્ષિત છે. જ્યારે ભારત મુસ્તફિઝુર રહેમાનને પૂરતી સુરક્ષા આપી શકતું નથી, તો આખી ટીમને કેવી રીતે આપશે? અમે અમારા ખેલાડીઓના જીવ જોખમમાં મૂકી શકીએ નહીં. આઈસીસી ભલે ગમે તે દાવા કરે, પણ અમારા માટે સુરક્ષા સર્વોપરી છે.” બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે વધુમાં આક્ષેપ કર્યો હતો કે આઈસીસીની બેઠકોમાં માત્ર ભારતીય ક્રિકેટ બોર્ડની જ વાત માનવામાં આવે છે. તેમણે કહ્યું કે આઈસીસીની મીટિંગમાં લેવાયેલા નિર્ણયો ખોટા છે અને તે માત્ર એકતરફી છે. આ વિવાદને કારણે હવે વર્લ્ડ ક્રિકેટમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

