Site icon Revoi.in

બેંક કૌભાંડ: ગાંધીનગરના તત્કાલીન મેનેજર સહિત 4 આરોપીઓને 5 વર્ષની કેદનો કોર્ટનો આદેશ

Social Share

અમદાવાદ, 24 માર્ચ 2026: ગાંધીનગરની ચિલોડા સ્થિત યુકો બેંકમાં થયેલી કરોડોની છેતરપિંડીના બે અલગ-અલગ કેસમાં અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બેંકના તત્કાલીન સિનિયર મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર સહિત કુલ 4 આરોપીઓને દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

પહેલા કેસમાં કોર્ટે યુકો બેંકની ચિલોડા શાખાના તત્કાલીન સિનિયર મેનેજર મેડમ ભગવતી પ્રસાદ, આસિસ્ટન્ટ મેનેજર ભાસ્કર રમેશચંદ્ર સોની અને સાબરકાંઠાની મેસર્સ હેવન ફાઇવ એન્ટરપ્રાઇઝના માલિક જયેન્દ્રસિંહ ડાહ્યાજી મકવાણાને દોષિત જાહેર કર્યા છે. બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ ત્રણેય આરોપીઓને 5 વર્ષની સખત કેદ અને કુલ રૂ. 1.33 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બીજા એક કેસમાં પણ સીબીઆઈ કોર્ટે બેંક અધિકારીઓ મેડમ ભગવતી પ્રસાદ અને ભાસ્કર સોની ઉપરાંત ગાંધીનગરની મેસર્સ શ્રી વનરાજ એન્ટરપ્રાઇઝના માલિક વનરાજજી પ્રભાતજી સોલંકીને સજા ફટકારી છે. આ કેસમાં તમામ દોષિતોને 5 વર્ષની જેલ અને કુલ રૂ. 72 લાખનો દંડ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 27 એપ્રિલ 2016ના રોજ આ કૌભાંડ અંગે ગુનો નોંધ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, શાખા મેનેજર તરીકે ફરજ બજાવતા મેડમ ભગવતી પ્રસાદે અન્ય આરોપીઓ સાથે મળીને બનાવટી દસ્તાવેજોના આધારે વિવિધ પેઢીઓને કુલ રૂ. 643 લાખની લોન અને ક્રેડિટ લિમિટ મંજૂર કરી હતી.

ડિસેમ્બર 2015 સુધીમાં 17 જેટલા લોન ખાતાઓમાં રૂ. 363 લાખનું લેણું બાકી હતું. આમાંથી મોટાભાગના ખાતા NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ) બની ગયા હતા, જેના કારણે સરકારી બેંકને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

સીબીઆઈએ 17 નવેમ્બર 2017ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા અને ટ્રાયલ બાદ, પુરાવાઓને આધારે માનનીય કોર્ટે બેંકના ઉચ્ચ અધિકારીઓની મિલીભગત સ્વીકારી આ કડક સજા ફટકારી છે. બેંકિંગ ક્ષેત્રે ભ્રષ્ટાચાર આચરનારાઓ માટે આ ચુકાદો એક લાલબત્તી સમાન સાબિત થશે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્દેશ: સેનામાં મહિલા અધિકારીઓને પરમેનન્ટ કમિશન મળશે

Exit mobile version