Site icon Revoi.in

સરકાર રચવાનું આમંત્રણ અપાતા ભૂપેન્દ્ર પટેલ કાલે સોમવારે બપોરે 2.22 કલાકે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યાં બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં સર્વોનુમતે ભુપેન્દ્ર પટેલની પસંદગી નવા મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે. રાજયના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.રાજ્યપાલે  સરકાર રચવાનું આમંત્રણ આપતા ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આવતીકાલે સોમવારે બપોરે 2.22 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ તેઓ અડાલજ સ્થિતિ દાદાભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા.

નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલ પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. આ પ્રસંગે રૂપાણી ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળીને ભાજપના આગેવાનો ભુપેન્દ્ર પટેલના નામની મુખ્યમંત્રી તરીકે પસંદગીની જાણ કરવામાં કરી હતી. ત્યારબાદ રાજ્યપાલે   ભુપેન્દ્ર પટેલને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ હતું. ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સોમવારે બપોરે 2.30 કલાકે શપથ લેશે. ત્યારબાદ   આગામી દિવસોમાં  મંત્રીમંડળમાં સભ્યો શપથ લેશે.  પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાતા ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તે આગામી દિવસોમાં ખબર પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના કાર્યકરો અને પરિચીતોમાં દાદાના હુલામણા નામથી ઓળખાતા ભુપેન્દ્ર પટેલની આગામી મુખ્યમંત્રી તરીકે પસંદગી કરતા તેમના પરિવારજનોમાં ખુશી ફેલાઈ છે. તેમજ રાજકીય નેતાઓ અને સામાજીક કાર્યકરોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.