Site icon Revoi.in

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો, 6 બળવાખોર અને 3 અપક્ષ ધારાસભ્યો ભાજપમાં સામેલ

Social Share

શિમલા: કૉંગ્રેસને હિમાચલ પ્રદેશમાં મોટો આંચકો લાગ્યો છે. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે અયોગ્ય ઠેરવવામાં આવેલા 6 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેમની સાથે ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે.

હિમાચલ પ્રદેશમાં સતત વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઘણાં પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની આશંકા વ્યક્ત થઈ રહી હતી. તેવામાં હવે કોંગ્રેસના 6 પૂર્વ ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. જણાવવામાં આવે છે કે તેઓ ભાજપની ટિકિટ પર જ અહીંથી પેટાચૂંટણી લડે તેવી શક્યતા છે.

કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યોમાં- સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્ર રાણા, ઈંદ્રદત્ત લખનપાલ, ચૈતન્ય શર્મા અને દેવેન્દ્રકુમાર ભુટ્ટોને હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ઉપસ્થિત રહેવા અને કપાત પ્રસ્તાવ તથા બજેટ દરમિયાન સરકારના પક્ષમાં મતદાન કરવાની પાર્ટીના એક વ્હિપની અવજ્ઞા કરવા બદલ 29 ફેબ્રુઆરીએ અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે તેમના મતવિસ્તારો માટે પેટાચૂંટણીની ઘોષણા કરી છે.

તો ત્રણ અપક્ષ ધારાસભ્યો- આશિષ શર્મા, હોશિયાર સિંહ અને કે. એલ. ઠાકુરે શુક્રવારે પોતાના રાજીનામા આપ્યા છે. તેમના મતવિસ્તારોમાં પણ પેટાચૂંટણી થવાની સંભાવના છે.

હોશિયાર સિંહે બાદમાં કહ્યુ હતુ કે અમે અમારા રાજીનામા સોંપ્યા છે. અમે ભાજપમાં સામેલ થઈશું અને પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડીશું.

મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર ગત મહીને આ નવ ધારાસભ્યોના ટેકાથી ભાજપ દ્વારા રાજ્યસભાની બેઠક જીત્યા બાદ સંકટમાં આવી ગઈ હતી. હાલ સૂક્ખૂની સરકારને કોઈ ખતરો દેખાય રહ્યો નથી. પરંતુ ભાજપ પેટાચૂંટણીમાં જીતની સાથે તેમની સરકારને પાડવાની ફિરાકમાં છે. પેટાચૂંટણીમાં ભાજપની જીતથી સત્તારુઢ પાર્ટીના ખેમામાં ધારાસભ્યોની સંક્યા ઘટશે.

કોંગ્રેસના 6 ધારાસભ્યોની અયોગ્યતા બાદ હવે 62 ધારાસભ્યો સાથે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના 39માંથી 33 ધારાસભ્યો રહ્યા છે. આ વિધાનસભા મૂળરૂપથી 68 ધારાસભ્યોની છે. ભાજપના 25 ધારાસભ્ય છે. બહુમતીના પરીક્ષણ દરમિયાન બંને પક્ષોના બરાબરીમાં રહેવાની સ્થિતિમાં સ્પીકર પણ વોટ કરી શકે છે અને હાલ વિધાનસભાના અધ્યક્ષ કોંગ્રેસ પાર્ટીના છે.