Site icon Revoi.in

પાકિસ્તાનમાં આર્મી ચીફની પસંદગી મામલે બિલાવર ભટ્ટોએ રાષ્ટ્રપતિને આપી ચીમકી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હાલ રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને પીએમ શેહબાઝ સરકાર સામે મોરચો ખોલ્યો છે, બીજી તરફ હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ નવા આર્મી ચીફની નિમણુંક પ્રક્રિયાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. હાલ પાકિસ્તાનમાં ભુટ્ટોના સમર્થનથી શરીફ સત્તામાં છે. જો કે, ભુટ્ટોની નારાજગી પીએમ શાહબાઝ શરીફથી નથી, પરંતુ રાષ્ટ્રપતિ સામે છે રાષ્ટ્રપતિને ઈમરાન ખાનના મિત્ર માનવામાં આવે છે. હાલમાં બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સ્પષ્ટપણે રાષ્ટ્રપતિને અલ્ટીમેટમ આપ્યું છે.

મીડિયા અહેવાલ મુજબ, બિલાવલે જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સેના પ્રમુખની નિમણૂકને લઈને પીએમની પ્રક્રિયાને અટકાવી દીધી છે, તો કહ્યું, “એ જોવાનું રહેશે કે શું તેઓ બંધારણનું પાલન કરે છે કે પછી મિત્ર પ્રત્યે વફાદાગી દર્શાવે છે. રાષ્ટ્રપતિ પાસે બંધારણને જાળવી રાખીને યોગ્ય પક્ષમાં ઊભા રહેવાની છેલ્લી તક છે. જો તે પીએમની સત્તાને રોકવાની કોશિશ કરશે તો પરિણામ ભોગવવા પડશે.

વર્તમાન પાક આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા 29 નવેમ્બર 2022ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે સરકાર પાસે નવા સેના પ્રમુખ નક્કી કરવા માટે થોડો સમય બચ્યો છે. હાલમાં આર્મી ચીફ પદ માટે જેમના નામ મોખરે છે તેમાં લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર, લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝા અને લેફ્ટનન્ટ જનરલ નૌમાન અહેમદનો સમાવેશ થાય છે. લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટમાં કમિશન આપવામાં આવ્યું હતું અને જ્યારથી તેમણે જનરલ બાજવા હેઠળ બ્રિગેડિયર તરીકે ફોર્સની કમાન સંભાળી ત્યારથી તેઓ આઉટગોઇંગ COASના નજીકના સહયોગી રહ્યા છે.