અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલની નિમણુંક બાદ સંગઠનને વધારે મજબુત બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. જેથી સી.આર.પાટિલે જિલ્લા અને તાલુકાના ભાજપના પ્રમુખોની સાથે હોદ્દેદારોની પસંદગી કરી હતી. આ ઉપરાંત વિવિધ સમિતિના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેરના પ્રમુખની નિમણુંક બાકી હતી. દરમિયાન આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના ભાજપના પ્રમોની નિમણુંક કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ભાજપના પ્રમુખ તરીકે પૂર્વ મેયર અમિત શાહની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના પ્રમુખ તરીકે માણસાના અનિલ પટેલની પસંદગી કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની હોવાથી અનિલ પટેલને તેની તૈયારીઓમાં લાગી જવા પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સીઆર પાટિલની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક બાદ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. અમદાવાદ સહિત છ કોર્પોરેશન, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી બાદ સીઆર પાટિલ દ્વારા ભાજપના જિલ્લા પ્રમુખોની પસંદગી કરવામાં આવી હતી. તેમજ સગઠનને વધારે મજબુત કરવા તથા આવતા વર્ષે યોજાનારી વિધનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે અત્યારથીજ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.