Site icon Revoi.in

દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરિવાલ ઉપર ભાજપના આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ ઈડીએ કથિત દારુ કૌભાંડમાં અરવિંદ કેજરિવાલને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ મામલે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભાજપા ઉપર આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે, સરકાર આપને ખતમ કરી રહી છે પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે, તમે પોતાની જાતને જ ખતમ કરી રહ્યાં છે. શું શરાબ નીતિ મામલામાં કમિશન લેવા માટે તેમને ભાજપાએ કહ્યું હતું, તેવો વેધક સવાલ પણ રવિશંકર પ્રસાદે કર્યો હતો.

ભાજપાએ વધુમાં કહ્યું કે, તેઓ અને તેમની પાર્ટીના તમામ સભ્યો વારંવાર કેસ ખોટો હોવાના દાવા કરે છે. પરંતુ મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં છે. તેમની જામીન અરજી પહેલા લોકલ કોર્ટ પછી હાઈકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટે પણ ના મંજુર રાખી છે. જો કે, આજ સુધી અરવિંદ કેજરિવાલ આ મહાગોટાળાના સ્પષ્ટીકરણને લઈને એક શબ્દ પણ નથી બોલ્યાં.

દિલ્હીમાં ચકચારી દારુ કૌભાંડ પ્રકરણમાં અગાઉ આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને રાજ્યસભાના સભ્ય સંજ્યસિંહની તપાસનીશ એજન્સીએ ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ઈડીની તપાસમાં મહત્વના પુરાવા હાથ લાગ્યા બાદ સંજ્યસિંહની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઈડીએ પ્રથમ સંજ્યસિંહના ઘરે તપાસ કર્યા બાદ લંબાણપૂર્વકની પૂછપરછ પછી ધરપકડ કરી હતી. હાલ સંજ્યસિંહ જેલમાં બંધ છે. સંજ્યસિંહની ધરપકડને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને દેખાવો યોજીને સરકાર સામે આકરા પ્રહાર કર્યાં હતા.