જો તમે સતત થાક કે નબળાઈ અનુભવતા હોવ અને તેને સામાન્ય ગણીને અવગણતા હોવ, તો સાવધાન થઈ જવાની જરૂર છે. ‘જામા નેટવર્ક ઓપન’માં પ્રકાશિત થયેલા એક નવા રિસર્ચ મુજબ, શરીરમાં હિમોગ્લોબિનનું ઓછું પ્રમાણ માત્ર શારીરિક નબળાઈ જ નહીં, પરંતુ મગજની ગંભીર બીમારી ‘ડિમેન્શિયા’ (સ્મૃતિ ભ્રંશ) તરફ દોરી શકે છે. સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ અને સ્ટોકહોમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 2200થી વધુ વૃદ્ધો પર કરેલા લાંબા ગાળાના અભ્યાસ બાદ આ તારણ કાઢ્યું છે.
વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે, જે લોકો એનીમિયા (લોહીની ઉણપ) થી પીડાતા હતા, તેમના લોહીમાં એલ્ઝાઈમર સાથે જોડાયેલા ‘બાયોમાર્કર્સ’નું પ્રમાણ ઘણું વધારે હતું. લોહીની ઉણપ ધરાવતા લોકોમાં ફોલો-અપ દરમિયાન ડિમેન્શિયા વિકસિત થવાનું જોખમ અનેકગણું વધારે જોવા મળ્યું હતું.જે લોકોમાં હિમોગ્લોબિન ઓછું હતું અને એલ્ઝાઈમર સાથે જોડાયેલું ‘p-tau217’ પ્રોટીન હાજર હતું, તેમનામાં માનસિક બીમારીનું જોખમ સૌથી વધુ હતું.
-
આયર્નની ઉણપથી શરીરમાં ઓક્સિજનનો પુરવઠો ખોરવાય છે
આયર્નની ઉણપથી શરીરમાં ઓક્સિજનનો પુરવઠો ખોરવાય છે. જ્યારે મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, ત્યારે તેની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે. આ જ કારણ છે કે હવે એનીમિયાને માત્ર શારીરિક સમસ્યા નહીં, પરંતુ ‘ન્યુરોલોજીકલ’ સમસ્યા તરીકે જોવામાં આવી રહી છે. રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાઓની સરખામણીએ એનીમિયાથી પીડાતા પુરુષોમાં ડિમેન્શિયાનું જોખમ વધુ હોય છે.
આંકડાઓ મુજબ, સમગ્ર વિશ્વમાં અંદાજે 1.2 અબજ લોકો એનીમિયાથી પ્રભાવિત છે. આટલી મોટી સંખ્યામાં લોકો આ સમસ્યાથી પીડાતા હોવાથી તે જાહેર આરોગ્ય માટે મોટો પડકાર બની ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે ડિમેન્શિયાના અંદાજે 45 ટકા કિસ્સાઓમાં જો જીવનશૈલીમાં ફેરફાર અને સમયસર તપાસ કરવામાં આવે, તો આ બીમારીને અટકાવી શકાય છે અથવા ધીમી પાડી શકાય છે.
આયર્નની ઉણપને રોકવી અને તેની સારવાર કરવી ખૂબ જ સરળ છે. તેમજ લીલા પાંદડાવાળા શાકભાજી, અનાજ અને આયર્નયુક્ત ખોરાક લેવો. આ ઉપરાંત સમયાંતરે લોહીની તપાસ કરાવી હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવું. એટલુ જ નહીં જો ડોક્ટર સલાહ આપે, તો આયર્નની ગોળીઓ કે સપ્લિમેન્ટ્સ લેવા. નિષ્ણાતોના મતે, જો સમયસર એનીમિયાની ઓળખ અને સારવાર કરવામાં આવે, તો ભવિષ્યમાં થતા માનસિક રોગોના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

