Site icon Revoi.in

બંગાળનો સૌથી શક્તિશાળી મુસ્લિમ નવાબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો, ઔરંગઝેબનો હતો પ્રીતિપાત્ર

Social Share

નવી દિલ્હી: બંગાળમાં આજે પણ કોઈ મુસ્લિમ શાસકને સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવ્યો છે, તો તે છે મુર્શિદ કુલી ખાન. તેના નામ પરથી બંગાળના શહેરનું નામ મુર્શિદાબાદ પડયું હતું. તે બંગાળનો પહેલો નવાબ હતો. સૌથી વધુ રસુખવાળો અને શક્તિશાળી નવાબ. મોહમ્મદ હાદી નામથી ઓળખાતા નવાબ મુર્શિદ કુલી ખાનનો જન્મ હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

એક હિંદુ બ્રાહ્મણના બંગાળના સૌથી શક્તિશાળી શાસક અને નવાબ બનવાની કહાની પણ ખાસી રસપ્રદ છે. મુર્શિદ કુલી ખાનનો જન્મ 1660માં હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો. તેનું નામ સૂર્ય નારાયણ મિશ્રા હતું. ઈતિહાસકાર જદુનાથ સરકારે લખ્યું છે કે મુર્શિદ કુલી ખાન મૂળભૂતપણે એક હિંદુ હતો. તેનું બાળપણનું નામ સૂર્ય નારાયણ મિશ્રા હતું અને તેનો જન્મ ડેક્કનમાં થયો હતો.

ઈતિહાસકાર જદૂનાથ સરકારના પુસ્તક મુજબ, મુર્શિદ પોતાના જન્મના દશ વર્ષ સુધી હિંદુ રીતિ-રિવાજો પ્રમાણે મોટો થયો હતો. પરંતુ તેના ઘરની સ્થિતિ એવી થઈ કે તેના માતાપિતાએ તેને એક મુઘલ સરદાર હાજી શફીને વેચી દીધો હતો. હાજી શફીને કોઈ સંતાન ન હતું.

માસીર અલ ઉમારા પુસ્તક પણ આ તથ્યનું સમર્થન કરે છે કે લગભગ 10 વર્ષની વયે તેને હાજી શફી નામના ફારસીને વેચવામાં આવ્યો હતો. તેની સુન્નત કરવામાં આવી અને તેનું નામ મોહમ્મદ હાદી થઈ ગયું.

બુદ્ધિથી તેજ મુર્શિદે વિદર્ભના દિવાનને આધિન કામ કર્યું. તે દરમિયાન તત્કાલિન મુઘલ બાદશાહ ઔરંગઝેબ તેનાથી પ્રભાવિત થઈ ગયો. તેને દિવાન બનાવીને બંગાળ મોકલવામાં આવ્યો. મુર્શિદ કુલી ખાને ઔરંગઝેબથી લઈને મુઘલ સમ્રાટ બહાદૂર શાહ પ્રથમ સુધી ઘણી જવાબદારીઓ નિભાવી હતી. તે આગળ વધતો ગયો. તેની મહેસૂલી મામલાઓમાં ખાસ વિશેષજ્ઞતા હતી. તેણે ઘણી નાણાંકીય રણનીતિઓ લાગુ કરવામાં ખાસ ભૂમિકા અદા કરી.

જો કે ઔરંગઝેબના પૌત્ર અજીમ ઉસ શાન સાથે મુર્શિદ કુલી ખાનનો વિવાદ થયો. અજીમ શાન બંગાળનો સૂબેદાર હતો. અજીમ ઉસ શાને કુલી ખાનની હત્યાની યોજના બનાવી. પરંતુ તેમાંથી કુલી ખાન બચી ગયો. ધન સંગ્રહની જવાબદારી તેની પાસે હોવાથી તે વધુ શક્તિશાળી બની ગયો. બંગાળના આર્થિક મામલાઓ પર તેની પકડ હતી અને તેના કારણે પણ ઔરંગઝેબ તેને વધુ પસંદ કરતો હતો. તેને પોતાની રીતે કર ઉઘરાવવાની અને અન્ય આર્થિક મામલાની પૂર્ણ આઝાદી હતી.

મુર્શિદ કુલી ખાન પોતાનું દિવાની કાર્યાલય ઢાકાથી મુક્શુદાબાદ લઈ ગયો. યૂરોપિયન વ્યાપારીક કંપનીઓએ પણ ત્યાં પોતાના થાણાં સ્થાપિત કર્યા હતા. મુર્શિદ વ્યાપારીઓ અને બેન્કર્સનો પણ માનીતો હતો. ઔરંગઝેબ તેનાથી ખુશ હોવાથી તેને મુર્શિદ કુલીની પદવી આપી અને શહેરનું નામ બદલીને મુર્શિદાબાદ કરી દીધું.

1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ મુર્શિદની શક્તિ ઘટવા લાગી હતી. જો કે કેટલાક સમય બાદ તે ફરીથી શક્તિશાળી અને અસરદાર બની ગયો હતો. કુલી કાને મુઘલ જાગીરદાર પ્રણાલીને માલ જસમાની પ્રણાલીમાં બદલી નાખી હતી. આ પ્રણાલી ફ્રાંસના ફર્મિયર્સ જનરલો સાથે મળતી આવતી હતી. તેણે ઠેકેદારો અથવા ઈજારેદારો પાસેથી સુરક્ષા બોન્ડ લીધા હતા. તે બાદમાં જમીન મહેસૂલ એકત્રિત કરતા હતા.

તેના શાસનકાળમાં હિંદુઓની સ્થિતિ સારી હતી, કારણ કે તે વધુ અમીર થઈ ગયા હતા. કુલી ખાને હિંદુઓને કર વિભાગમાં મુખ્યત્વે નિયુક્ત કર્યા, કારણ કે તેને લાગતું હતું કે તે આ ક્ષેત્રના વિશેષજ્ઞ હતા. તે ધારાપ્રવાહ ફારસી પણ બોલી શકતો હતો.

તેને મુઘલ શાસક ફરુખ્શિયરે 1717માં બંગાળનો સૂબેદાર બનાવ્યો હતો. પરંતુ હકીકતમાં તે ઘણાં વર્ષોથી બંગાળના વાસ્તવિક શાસક તરીકે કામ કરી રહ્યો હતો. તેની પાસે મજબૂત સેના હતી. બંગાળમાં તેનું શાસન ચાલતું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપની પણ તેની સાથે હતી. થોડા સમયમાં તેણે ખુદને મુઘલ શાસનથી અલગ કરી લીધો. બંગાળ પર અધિકાર જમાવીને તે ત્યાંનો નવાબ બની ગયો. કહેવામાં આવે છે કે મુર્શિદે બેરોકટોક લગભગ 30 વર્ષો સુધી બંગાળ પર શાસન કર્યું અને તે 1727માં મૃત્યુ પામ્યો હતો.

જો કે કહેવામાં આવે છે કે મુર્શિદ કુલી ખાનના બ્રાહ્મણમાંથી મુસ્લિમ બન્યા બાદ તેણે મજહબનું કઠોરતાથી પાલન કર્યું. એ સાચું છે કે તેણે પોતાના શાસનમાં મહત્વના પદો પર હિંદુઓને નિયુક્ત કર્યા હતા. પરંતુ તેનો નિયમ હતો કે ખેડૂત અથવા જમીનદાર લગાન ભરે નહીં, તો તેને પરિવાર સહીત મુસ્લિમ થવું પડતું હતું.