નવી દિલ્હી, 14 માર્ચ 2026: ભારતમાં જાયન્ટ કંપનીઓ માટે શેરબજારમાં લિસ્ટ થવાનો માર્ગ હવે પહેલા કરતા વધુ સરળ બન્યો છે. સરકારે આઈપીઓ સાથે જોડાયેલા નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા મંજૂરી આપી છે કે, જે કંપનીઓનું લિસ્ટિંગ પછી માર્કેટ વેલ્યુએશન 5 લાખ કરોડ રૂપિયાથી વધુ હશે, તેમણે પબ્લિકને પોતાની પેઇડ-અપ કેપિટલનો માત્ર 2.5 ટકા હિસ્સો જ વેચવો પડશે. અગાઉ મોટા ઈશ્યૂ લાવવામાં કંપનીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.
નવા નિયમો હેઠળ થયેલા મહત્વના ફેરફાર અનુસાર, કંપનીઓએ તેમના દરેક ઇક્વિટી શેર ક્લાસનો ઓછામાં ઓછો 2.5 ટકા હિસ્સો સામાન્ય રોકાણકારો માટે રાખવો પડશે. સરકારે પબ્લિક શેરહોલ્ડિંગ ધીમે ધીમે વધારવા માટે ચોક્કસ સમયમર્યાદા પણ નક્કી કરી છે. જો લિસ્ટિંગ સમયે જાહેર હિસ્સેદારી 15 ટકાથી ઓછી હોય, તો કંપનીએ 5 વર્ષમાં તેને વધારીને 15 ટકા અને 10 વર્ષની અંદર 25 ટકા સુધી પહોંચાડવી પડશે. જે કંપનીઓની હિસ્સેદારી શરૂઆતમાં જ 15 ટકાથી વધુ હોય, તેમણે આગામી 5 વર્ષમાં તેને 25 ટકા કરવી ફરજિયાત રહેશે. જે કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 1 લાખ કરોડથી 5 લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોય, તેમણે આઈપીઓ દરમિયાન ઓછામાં ઓછા 2.75 ટકા શેર રોકાણકારોને આપવા પડશે. 50000 કરોડથી 1 લાખ કરોડ વચ્ચેના માર્કેટ કેપ વાળી કંપનીઓએ ઓછામાં ઓછા 8 ટકા શેર જાહેર કરવા પડશે. નવી નિયમ અનુસાર, જો કોઈ કંપની પાસે સુપિરિયર વોટિંગ રાઈટ્સ વાળા શેર હોય, તો તેણે સામાન્ય શેરની સાથે આ એસવીઆર શેરને પણ લિસ્ટ કરવા જરૂરી બનશે.
સરકારે આ નિયમો સત્તાવાર રીતે લાગુ કરી દીધા છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે આ ફેરફારથી નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને રિલાયન્સ જિયો જેવી મોટી કંપનીઓના આઈપીઓ આવવાની શક્યતા વધી ગઈ છે. આ કંપનીઓનું કદ ઘણું મોટું હોવાથી જૂના નિયમો મુજબ મોટો હિસ્સો વેચવો મુશ્કેલ હતો, જે હવે નવા નિયમોથી સરળ બનશે.
આ પણ વાંચોઃ એઆઈને કારણે દેશમાં ડેટા સેન્ટરોની વીજ માંગમાં 800 ટકા વધારાનો અંદાજ

