અમદાવાદ, 27 મે 2026: મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ જિલ્લામાં કાલુપુર ફ્લાયઓવર ઉપર વાયાડક્ટ લોન્ચિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવર સાબરમતી–મુંબઈ મુખ્ય રેલવે લાઇન (પશ્ચિમ રેલવે) ઉપર આવેલ રેલવે ઓવર બ્રિજ છે. વાયાડક્ટ હાલની રેલવે લાઇનની સમાંતર બનાવવામાં આવી રહ્યો છે અને ફ્લાયઓવર ઉપરનું લોન્ચિંગ કાર્ય પૂર્ણ થયું છે. આ કાર્ય અંતર્ગત સ્પાન-બાય-સ્પાન પદ્ધતિથી 45 મીટર લાંબા બ્રિજનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
કાલુપુર ફ્લાયઓવર અમદાવાદના સૌથી વ્યસ્ત બે-લેન ફ્લાયઓવરમાંથી એક છે, જે શાહીબાગ, અસારવા અને કાલુપુર વચ્ચે મહત્વપૂર્ણ જોડાણ માર્ગ તરીકે કાર્ય કરે છે અને દરરોજ હજારો મુસાફરો દ્વારા તેનો ઉપયોગ થાય છે. સ્પાન લોન્ચિંગની તમામ પ્રવૃત્તિઓનું સુચિત આયોજન કરીને નિયંત્રિત રાત્રિ બ્લોક દરમિયાન સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. કાર્ય વિસ્તારમાં પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગોને રાત્રિના 00:00 કલાકથી સવારે 06:00 કલાક સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા, જ્યારે દિવસ દરમિયાન ફ્લાયઓવર નીચે સામાન્ય ટ્રાફિક વ્યવસ્થા યથાવત રાખવામાં આવી હતી.
22 મે થી 25 મે 2026ના સમયગાળા માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ પાસેથી જરૂરી રાત્રિ ટ્રાફિક બ્લોક પરવાનગી મેળવવામાં આવી હતી. આ મર્યાદિત બ્લોક સમયગાળામાં ત્રણ (03) રાત્રિમાં ઓટો-લોન્ચિંગ, સેગમેન્ટ ટ્રાન્સપોર્ટેશન, સ્પાન ઇરેક્શન, ડ્રાય મેચિંગ અને ગ્લુઇંગ જેવી બધી મુખ્ય પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જનતાને ઓછીમાં ઓછી અસુવિધા થાય તે માટે જરૂરી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપનના તમામ પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં યોગ્ય બેરિકેડિંગ, ટ્રાફિક ડાયવર્ઝન સાઇનેજ, માર્ગ પરિવર્તન અંગે અગાઉથી જાહેર માહિતી, દિવસ અને રાત્રિ દરમિયાન પૂરતા ટ્રાફિક માર્શલોની નિમણૂક તથા રાત્રિના કામ દરમિયાન પૂરતી લાઇટિંગ વ્યવસ્થા સામેલ હતી.
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર અમદાવાદ જિલ્લામાં કુલ 31 ક્રોસિંગમાંથી પસાર થાય છે, જેમાં ભારતીય રેલવે ક્રોસિંગ (08), રોડ ફ્લાયઓવર, રોડ, રોડ અંડરપાસ, કેનાલ ક્રોસિંગ (16), સાબરમતી નદી ઉપર એક (01) નદી બ્રિજ ક્રોસિંગ અને છ (06) સ્ટીલ બ્રિજનો સમાવેશ થાય છે. તેમાંમાંથી 23 ક્રોસિંગનું કામ પહેલેથી પૂર્ણ થઈ ચૂક્યું છે.

