નવી દિલ્હી: દેશમાં રોજબરોજ અનેક નવી કંપનીઓ માર્કેટમાં આવતી રહે છે અને અનેક કંપનીઓ માર્કેટમાંથી ગાયબ પણ થઇ જતી હોય છે ત્યારે દેશમાં નવી કંપનીઓની એન્ટ્રી અને બિઝનેસમાંથી એક્ઝિટ કરેલી કંપનીઓ અંગેના એક રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા છ વર્ષમાં પાંચ લાખથ વધુ કંપનીઓએ બિઝનેસમાંથી એક્ઝિટ કરી છે જ્યારે સામે 7 લાખથી વધુ નવી કંપનીઓની સ્થાપના થઇ છે.
આંકડાઓ અનુસાર, દેશમાં કુલ 5,00,506 કંપનીઓને તાળા લાગી ગયા છે. તો આ જ સમય દરમિયાન કંપનીઝ એક્ટ 2013 હેઠળ, 7,17,049 નવી કંપનીઓ સ્થપાઇ છે. લોકસભામાં કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી ઇન્દ્રજીત સિંહે આ માહિતી આપી છે.
1 એપ્રિલ, 2021થી શરૂ થતા આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 22,557 કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યુ છે, જ્યારે 1,09,098 નવી કંપનીઓની સ્થાપના થઇ છે. લગભગ છેલ્લા છ વર્ષમાં, 2017-18માં સૌથી વધુ 2,36,262 કંપનીઓ બંધ થઈ હતી અને વર્ષ 2018-19માં આ સંખ્યા 1,43,233 હતી. તો વર્ષ 2016-17માં 12,808 કંપની, વર્ષ 2019-20માં 70,972 કંપની અને ગયા નાણાકીય વર્ષમાં 14,674 કંપનીઓ બંધ થઈ હતી.
ગત નાણાકીય વર્ષ દરમિયાન 1,55,377 નવી કંપનીઓની નોંધણી થઇ હતી અને વર્ષ 2019-20માં આ સંખ્યા 1,22,721 હતી. તો વર્ષ 2016-17માં 97,840 અને વર્ષ 2017-18માં 1,08,075 અને વર્ષ 2018-19માં કુલ સંખ્યા 1,23,938 કંપની સ્થપાઇ હતી.
કાયદા હેઠળ ‘ક્લોઝ્ડ કંપની’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી નથી અને કાયદાની અમુક જોગવાઈઓ હેઠળ કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા પછી કંપનીઓને બંધ કરવામાં આવશે.