- ભારતમાં પણ લોકોમાં ક્રિપ્ટોકરન્સીનો વધતો ટ્રેન્ડ
- પ્રમાણે ભારત ક્રિપ્ટો માલિકોની સંખ્યાના મામલે ટોચ પર
- રિપોર્ટ અનુસાર 10.07 કરોડ ક્રિપ્ટો માલિકો ભારતમાં છે
નવી દિલ્હી: દેશમાં ભલે હજુ ક્રિપ્ટોકરન્સીને સત્તાવાર માન્યતા ના અપાઇ હોય અને તેના પર નજર રાખવા માટે વિધેયક લાવવાની તૈયારી કરી રહી હોય, તેમ છતાં દેશમં બિટકોઇન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીને લઇને લોકોમાં ઘેલછા જોવા મળી રહી છે. બ્રોકરચૂઝરના અહેવાલ પ્રમાણે ભારત ક્રિપ્ટો માલિકોની સંખ્યાના મામલે ટોચ પર છે. રિપોર્ટ અનુસાર 10.07 કરોડ ક્રિપ્ટો માલિકો ભારતમાં છે.
ક્રિપ્ટો માલિકોની સંખ્યા, ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ અને અન્ય પરિબળોના આધારે ભારત હાલ 7મો સૌથી વધુ ક્રિપ્ટો અવેર દેશ છે. ક્રિપ્ટો માલિકોના મામલે અમેરિકા 2.74 કરોડ સાથે બીજા, તેના પછી રશિયા 1.74 કરોડ સાથે ત્રીજા અને ચોથા ક્રમે નાઇજીરીયા (1.30 કરોડ) છે.
ક્રિપ્ટોને લઇને ભારતીયોમાં જાગૃતિને લઇને એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં વિશ્વના 50 દેશોને સામેલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર ક્રિપ્ટો અવેરનેસ સ્કોરમાં ભારતે 10માંથી 4.39 અંક મેળવ્યા. આ મામલે ભારતે ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેનેડા, ફ્રાન્સ, જર્મની અને જાપાન જેવા દેશોને પાછળ છોડી દીધા છે.
આપને જણાવી દઇએ કે મોદી સરકારે સંસદમાં ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન ઓફિશિયલ ડિજીટલ કરન્સી બિલ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ બિલ વિશેની માહિતી હજુ સુધી સાર્વજનિક નથી. આ બિલ દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને કાયદેસર રીતે નિયંત્રિત કરશે.
વર્તમાનમાં Bitcoin અને અન્ય ક્રિપ્ટોકરન્સી ભારતમાં કાનૂની દાયરા બહાર છે. જોકે તેને ગેરકાયદેસર કહી શકાય નહીં કારણ કે તે હજુ સુધી દેશના કોઈપણ કેન્દ્રીય પ્રાધિકરણ દ્વારા ઉપયોગ માટે અધિકૃત નથી કરવામાં આવી.