Site icon Revoi.in

કાર ઉત્પાદક ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે

Social Share

નવી દિલ્હી: ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક અને દિગ્ગજ કંપની ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે. આ અંગે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ કાર દેશના માર્કેટમાં ઉપલબ્ધ બનશે અને બાદમાં કંપની ભારતમાં પણ પોતાનું પ્રોડક્શન યુનિટ સ્થાપશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાણકારી આપી હતી કે ઇલોન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે. ટેસ્લા વર્ષ 2021થી ભારતના માર્કેટમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે.

આપને જણાવી દઇએ કે ઇલોન મસ્ક પણ સમયાંતરે ભારતના માર્કેટ અંગે ટ્વિટર પર જણાવતા રહે છે. ઇલોન મસ્કે થોડા સમય પહેલા કહ્યું હતું કે ભારતમાં સ્થાનિક સ્તરેથી 30 ટકા મટીરિયલ ઉપલબ્ધ બનવાનું હતું, પરંતુ તે સમયસર ઉપલબ્ધ ના બનતા ભારતમાં આવવાનો પ્લાન પાછળ ઠેલાયો છે.

વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ભારતમાં વહેલા મોડું તેનું યુનિટ પણ સ્થાપશે. તેનાથી ભારતનું વૈશ્વિક માર્કેટમાં સ્થાન વધુ મજબૂત બનશે. વર્ષ 2021માં ટેસ્લા કારનું વેચાણ શરૂ કરશે ત્યારે 3 મોડેલ લોંચ કરે તેવી શક્યતા છે. વર્ષના પ્રારંભમાં પ્રી બૂકિંગ થશે અને વર્ષાન્તે ગ્રાહકોને ડિલીવરી મળી જશે.

અહેવાલમાં જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે તે અનુસાર ટેસ્લા ઇલેક્ટ્રિક કાર એક વખતના ફૂલ ચાર્જ પછી અંદાજે 500 કિલોમીટર સુધી ચાલશે. આટલી ક્ષમતા અત્યારની એક પણ ઇલેક્ટ્રિક કારમાં નથી. કંપની આવો દાવો કરી રહી છે.

મહત્વનું છે કે, વિશ્વમાં જે રીતે વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે તેને કારણે અનેક દેશો હવે પેટ્રોલ-ડિઝલ સંચાલિત વાહનો પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે અને વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપી રહ્યા છે.

(સંકેત)