Site icon Revoi.in

દેશમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં કેસ વધ્યાં, એક વર્ષમાં 32 ટકાનો વધારો નોંધાયો

Social Share

નવી દિલ્હીઃ દેશમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના ગુના ઝડપથી વધી રહ્યા છે. 2022માં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના 1,823 કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષની સરખામણીમાં 32 ટકા વધુ છે. 2021માં આવા કેસોની કુલ સંખ્યા 1,376 હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના અહેવાલ મુજબ, સાયબર પોર્નોગ્રાફી, અશ્લીલ જાતીય સામગ્રી હોસ્ટ કરવા અથવા પ્રકાશિત કરવાના 1171 કેસ, સાઈબર સ્ટોકિંગ અથવા ધમકી આપવના 158 અને અન્ય પ્રકૃતિના બાળકો સામે 416 સાયબર અપરાધોના કેસ નોંધાયા હતા.

નિષ્ણાતો માને છે કે, કોવિડ દરમિયાન દેશના કરોડો બાળકો ઓનલાઈન એજ્યુકેશન મેળવતા હતા, આ દરમિયાન આવા કેસ વધવા લાગ્યા હતા. રિપોર્ટ અનુસાર ઓફલાઈન સિસ્ટમ પણ બાળકો માટે સુરક્ષિત નથી. 2022માં બાળકો વિરુદ્ધ 1,62,449 ગુના નોંધાયા હતા. એટલે કે ગયા વર્ષે બાળકો સામે દર કલાકે સરેરાશ 18 ગુના થયા હતા. 2021ની સરખામણીમાં બાળકો સામેના ગુનાઓમાં 9%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર 2020માં બાળકો વિરુદ્ધના સાયબર ગુનાઓમાં 400 ટકાનો વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન કુલ 842 કેસ નોંધાયા હતા, જેમાંથી 738 કેસ એટલે કે 90% જાતીય કૃત્યો સંબંધિત હતા.

વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બાળકો સામેના લગભગ અડધા ગુના પાંચ રાજ્યોમાં સામે આવ્યા છે. તેમાં મહારાષ્ટ્રમાં 12.8 ટકા, મધ્યપ્રદેશમાં 12.6, ઉત્તર પ્રદેશમાં 11.5, રાજસ્થાનમાં 5.8 અને પશ્ચિમ બંગાળમાં 5.5 ટકાનો સમાવેશ થાય છે. ક્રાઈમ રેટ એટલે કે એક લાખની વસ્તીએ અપરાધના કેસની સંખ્યા દિલ્હીમાં સૌથી વધુ હતી. ઈન્ટરનેટને ફરીથી બાળકો માટે સલામત સ્થળ બનાવવા અને ગુનેગારો પર કડક નજર રાખવા માટે એક મજબૂત અને કડક તંત્રની જરૂર છે. આધુનિક જીવનશૈલી માટે તેનો અમલ કરવો હિતાવહ છે.