Site icon Revoi.in

ડિજિટલ અરેસ્ટ સ્કેમ કેસમાં CBI ના 16 રાજ્યોમાં 80 સ્થળોએ દરોડા, 2 ની ધરપકડ

Social Share

નવી દિલ્હી, 25 જૂન 2026: દેશમાં કાયદો અને વ્યવસ્થાના નામે નિર્દોષ નાગરિકોને ડરાવી-ધમકાવીને લૂંટતા ‘ડિજિટલ અરેસ્ટ’ના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા એક મોટું રાષ્ટ્રવ્યાપી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સીબીઆઈએ ‘ઓપરેશન ચક્ર-VI’ અંતર્ગત દેશના 16 રાજ્યોમાં એકસાથે 80 થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને સાયબર ગુનેગારોના આંતરરાષ્ટ્રીય નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. આ દરોડા દરમિયાન સીબીઆઈએ બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ પણ કરી છે.

મળતી માહિતી મુજબ, સીબીઆઈએ આ ઓપરેશન માટે 60 વિશેષ ટીમોની રચના કરી હતી. આ ટીમોએ ગુજરાત, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, પશ્ચિમ બંગાળ, મણિપુર, કર્ણાટક અને ઓડિશા સહિત 16 રાજ્યોમાં શંકાસ્પદ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં ડિજિટલ અરેસ્ટના 200થી વધુ કેસોમાં સંકળાયેલા ઓપરેશનલ નેટવર્ક અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાનો છે. આ દરોડા દરમિયાન સીબીઆઈએ ડિજિટલ અરેસ્ટ દ્વારા પડાવેલા કરોડો રૂપિયાની હેરાફેરી (મની લોન્ડ્રિંગ) કરવા બદલ બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગુનેગારોએ ઠગાઈની રકમને સગેવગે કરવા માટે અનેક શેલ (બોગસ) કંપનીઓ બનાવી હતી અને તેના નામે ગેરકાયદેસર બેંક ખાતાઓ ખોલાવ્યા હતા.

સીબીઆઈએ આ કેસમાં અત્યાધુનિક ફોરેન્સિક ટૂલ્સ અને ટેકનિકલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ભારત તેમજ વિદેશમાં ફેલાયેલા ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, સાયબર ગઠિયાઓ પોતાની ઓળખ અસલી બતાવવા માટે દેશની વિવિધ અદાલતો અને કાયદા અમલીકરણ એજન્સીઓ (પોલીસ, ઈડી, સીબીઆઈ) ના નકલી અને બનાવટી ઓર્ડર તેમજ દસ્તાવેજો અપલોડ કરતા હતા. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન અને બેંક ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે, જેની બારીકાઈથી ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ સાયબર ગુનેગારોએ દેશની સર્વોચ્ચ અદાલતની સત્તાવાર વેબસાઈટને મળતી આવતી એક નકલી વેબસાઈટ પણ બનાવી હતી. આ નકલી વેબસાઈટનો ઉપયોગ કરીને પીડિતોને ડિજિટલ ધરપકડની જાળમાં ફસાવવામાં આવતા હતા. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારની ફરિયાદના આધારે સીબીઆઈએ એફઆઈઆર નોંધીને તપાસ તેજ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં એવા પુરાવા મળ્યા છે કે આ નેટવર્ક દ્વારા માત્ર ભારતીય નાગરિકો જ નહીં, પરંતુ અનેક વિદેશી નાગરિકોને પણ કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. સીબીઆઈ આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ કરે તેવી પ્રબળ શક્યતા છે.

Exit mobile version