Site icon Revoi.in

CBSEના ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં ‘ B ગૃપમાં જ પ્રવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)માંથી ધો.10 બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓ માટે પરિપત્ર કર્યો છે. જેમાં ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં ધો.11માં એ ગ્રૂપ અને એબી ગ્રૂપમાં પ્રવેશ આપવામાં આવશે નહીં  પરંતુ આવા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની શાળાઓમાં ધો.11માં માત્ર બી ગ્રુપમાં જ પ્રવેશ મળવાનો રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.11 સાયન્સમાં પ્રવેશ આપવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.  શૈક્ષણિક વર્ષ 2022-23માં ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર જે વિદ્યાર્થીએ ધો.10 ગણિત બેઝિક સાથે પાસ કર્યું હોય તે વિદ્યાર્થી ધો.11 સાયન્સમાં બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ આવા વિદ્યાર્થીઓ ધો.11 સાયન્સમાં એ ગ્રૂપ અથવા એબી ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે નહીં. આ પરિપત્ર ગુજરાત બોર્ડની શાળાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા કરાયો હતો. જોકે, ત્યારબાદ CBSE બોર્ડની ધો.10ની પરીક્ષામાં ગણિત બેઝિક સાથે અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા CBSE બોર્ડને લઈને સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, CBSE બોર્ડમાં જે વિદ્યાર્થીએ ધો.10 બેઝિક ગણિત સાથે પાસ કરેલી હોય તે ધો.11 સાયન્સમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે. પરંતુ તેઓ એ ગ્રુપ કે એબી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં. આ વિગતોને ધ્યાને લઈને સાયન્સમાં પ્રવેશ માટેની જરૂરી કાર્યવાહી કરવા માટે બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે. નોંધનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડની શાળાઓ માટે ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે નક્કી કરેલા નિયમો બાદ પણ કેટલીક શાળાઓએ ગણિત બેઝિક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ધો.11 સાયન્સમાં એ ગ્રુપમાં પ્રવેશ ફાળવ્યો હતો. જેથી બોર્ડ દ્વારા આવા પ્રવેશ ફાળવનારી શાળાઓના આચાર્યોને નોટીસ ફટકારી પ્રવેશ દીઠ રૂ. 5 હજારનો દંડ કરવાનો નિર્ણય કરાયો હતો.