જામનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયના 50મા વર્ષને યાદગાર બનાવવા માટે જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે 06 અને 07 ઑગસ્ટ 2021ના રોજ સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર એમ.એસ. દેશવાલ, વાયુ સેના મેડલ અને જામનગરના સૌથી વરિષ્ઠ યુદ્ધ વેટરન એર કોમોડોર (નિવૃત્ત) એસ.એસ. ત્યાગી, વાયુ સેના મેડલ, સ્ટેશન મ્યુઝિયમ ખાતે ‘સ્વર્ણિમ વિજય વર્ષ વિક્ટરી મશાલ’ના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા. શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ‘વિજય મશાલ’ INS વાલસુરા ખાતે આગળ મોકલવામાં આવી હતી. આ પ્રસંગે જામનગર એરફોર્સ સ્ટેશન પર ડમી મિસાઇલ સિસ્ટમ્સ પ્રદર્શન અર્થે ગોઠવવામાં આવી હતી. ત્રણ હેલિકોપ્ટર દ્વારા ફ્લાય પાસ્ટ કરવામાં આવી હતી અને IAF ગરુડ કમાન્ડો દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારા કરતબો બતાવવામાં આવ્યા હતા.
ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી: સ્વર્ણિમ વિજય વર્ષ વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને પહોંચી
