Site icon Revoi.in

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, આકાશ રંગબેરંગી પતંગોથી છપાયું

Social Share

ગાંધીનગરઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. જ્યારે લપેટ અને કાઈપોની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જ્યારે પક્ષીઓને ઈજા ન થાય તે માટે પતંગરસિયાઓએ વિશેષ ધ્યાન રાખ્યું હતું. જ્યારે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે જીવદયા પ્રેમીઓએ વિવિધ સ્થળો ઉપર પક્ષી દવાખાના પણ ઉભા કર્યાં છે.

આજે વહેલી સવારથી જ નાના બાળકો ઉત્તરરાયણની ઉજવણી કરવા માટે ધાબા ઉપર ચડી ગયા હતા. જ્યારે મોટો લોકોએ સવારે મંદિરમાં દર્શન કર્યા બાદ ગાયને ઘાસ ખવડાવી તથા ગરીબોને ચિક્કી અને જરુરી વસ્તુઓનું દાન કરીને પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. રંગબેરંગી પતંગને કારણે આકાશ પતંગોથી છવાઈ ગયું છે. બીજી તરફ પતંગની દોરીથી ઈજા થવાના અને ધાબા ઉપરથી નીચે પટકાવવાના બનાવોમાં પણ સામે આવ્યાં છે.

ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરૂણા અભિયાન હાથ ધરાયું છે.  આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે.

તદ્દઅનુસાર, વોટ્સએપ 8320002000 ઉપર મેસેજ કે મિસ કોલ કરો ત્યારબાદ એક લિંક પ્રાપ્ત થશે અને એ વેબસાઇટ ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહીં વનવિભાગના હેલ્પ લાઇન નંબર 1926 તેમજ પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે. ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 900થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 700થી વધારે વેટરનિટી તબીબો તેમજ 700થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહ્યાં છે.