Site icon Revoi.in

ઇન્જેક્શનવાળા કોસ્મેટિક ઉત્પાદનો પર કેન્દ્ર સરકારે ફરમાવ્યો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હી, 21 મે 2026: દેશભરમાં વધી રહેલા બ્યુટી ક્લિનિક્સ અને વેલનેસ સેન્ટરોમાં સુંદરતા વધારવાના નામે અપાતા ઇન્જેક્શન (ઇન્જેક્ટેબલ એસ્થેટિક પ્રોસિજર) પર કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. ભારત સરકારના સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલય હેઠળ કાર્યરત ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન’ (સીડીએસસીઓ) એ સ્પષ્ટ કર્યું છે કે, ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવતા કોઈપણ કોસ્મેટિક ઉત્પાદનો કાયદાકીય રીતે ‘કોસ્મેટિક્સ’ (સૌંદર્ય પ્રસાધનો) ની વ્યાખ્યામાં આવતા નથી. આથી, ગ્રાહકો, પ્રોફેશનલ્સ અથવા એસ્થેટિક ક્લિનિક્સ દ્વારા આવા ઇન્જેક્શનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટઅનુસાર, કોસ્મેટિકનો અર્થ એવી વસ્તુઓ થાય છે જેને શરીર પર ઘસી શકાય, છાંટી શકાય, લગાવી શકાય અથવા નાખી શકાય. જેનો મુખ્ય હેતુ શરીરની સફાઈ, સુંદરતા વધારવી કે દેખાવને આકર્ષક બનાવવાનો છે. દેશમાં કોસ્મેટિક ઉત્પાદનોનું વેચાણ અને વિતરણ ‘કોસ્મેટિક નિયમો 2020’ હેઠળ નિયંત્રિત થાય છે. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે ઉત્પાદનો ઇન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે, તે કોસ્મેટિકની શ્રેણીમાં આવતા જ નથી. કોસ્મેટિક્સ માત્ર શરીરના બાહ્ય ઉપયોગ માટે જ હોય છે. જો કોઈ બ્યુટી ક્લિનિક, બ્યુટી એક્સપર્ટ કે ગ્રાહક કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટને ઇન્જેક્શનની જેમ વાપરશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

નવી એડવાઇઝરી અનુસાર, પ્રોડક્ટના લેબલિંગને લઈને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. કોઈપણ કોસ્મેટિક કંપની પોતાના ઉત્પાદનને લઈને ખોટા, અવાસ્તવિક કે ભ્રામક દાવા કરી શકશે નહીં. તેમજ કોઈપણ વ્યક્તિ કે વિક્રેતા કંપનીના કન્ટેનર કે લેબલ પર લખેલી મૂળ માહિતીને બદલી શકશે નહીં કે તેને ભૂંસી શકશે નહીં. આ ઉપરાંત કોસ્મેટિક ઉત્પાદનોમાં પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરવો, લેબલ પર ખોટી વિગતો છાપવી અથવા આ ઉત્પાદનોનો ઉપયોગ કોઈ રોગના ઈલાજ માટે કરવો એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાશે.

સત્તાવાળાઓએ જનતાને અપીલ કરી છે કે જો ક્યાંય પણ કોસ્મેટિક નિયમોનું આવું ઉલ્લંઘન થતું જોવા મળે, અથવા બ્યુટી પાર્લર-ક્લિનિક્સમાં ઇન્જેક્શનનો ગેરકાયદે ઉપયોગ થતો હોય, તો તેની માહિતી તાત્કાલિક સંબંધિત અધિકારીઓને અથવા રાજ્યની લાયસન્સિંગ ઓથોરિટીને આપવી.

(PHOTO-FILE)

આ પણ વાંચોઃ કોલકાતાઃ સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત વિગતો પાક. એજન્સીને પહોંચનાર જાસૂસ ઝડપાયો

Exit mobile version