Site icon Revoi.in

કેન્દ્ર સરકાર દ્વારા સરકારી યોજનાઓમાં વચન કરતાં ઓછો ખર્ચ કરવામાં આવ્યોઃ કોંગ્રેસ

Congress

Congress

Social Share
અમદાવાદ, 3 ફેબ્રુઆરી, 2026 – Congress કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવ આપતાં ગુજરાત કોંગ્રેસને આક્ષેપ કર્યો છે કે, નરેન્દ્ર મોદી સરકારે ગત બજેટમાં જે જાહેરાતો કરી હતી તે અનુસાર ખર્ચ કર્યો નથી. આ કારણે દેશના કરોડો નાગરિકો પાયાની સેવા-સુવિધાના મળવાપાત્ર લાભથી વંચિત રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી એક નિવેદન દ્વારા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં કેન્દ્ર સરકારે વિવિધ વિભાગો માટે કરોડો રૂપિયાની મોટી-મોટી જાહેરાત કરી હતી પણ હકીકત તપાસતા કેન્દ્રની મોદી સરકારની લકવાગ્રસ્ત નિતિ (પોલીસી પેરાલીસીસ), નબળી ઈચ્છા શક્તિ આયોજનના અભાવ અને ખામી યુક્ત શાસન વ્યવસ્થાના લીધે આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, કૃષિ, ગ્રામ વિકાસ, શહેરીવિકાસ અને નોર્થ ઈસ્ટ વિકાસના કુલ સાત વિભાગોમાં કુલ ૧,૨૧,૪૪૭ કરોડ જેટલી જંગી રકમ ન ખર્ચવાને કારણે કરોડો નાગરિકો પાયાની સેવા-સુવિધાના મળવાપાત્ર લાભોથી વંચિત રહ્યા, આ છે મોદી સરકારના સુશાસનનો બેનમૂન નમુનો…!

આંકડાકીય માહિતી દ્વારા આક્ષેપ

આંકડા સાથે પર્દાફાશ કરતાં ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ના દસ્તાવેજો દર્શાવે છે કે કેન્દ્ર સરકારે ગયા નાણાકીય વર્ષમાં સામાજિક ક્ષેત્રની મોટાભાગની યોજનાઓ પર વચન મુજબ ખર્ચ કર્યો નથી. જેના લીધે દેશના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના કરોડો નાગરિકો લાભોથી વંચિત રહ્યા છે.
મનરેગાનો કાયદો નાબૂદ કરીને નવી યોજનાથી ભારતના ગ્રામિણ અર્થતંત્ર માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. જલ જીવન મિશન પર ભારે કપાત કરવામાં આવી છે. ૬૭,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાની યોજના હોવા છતાં સરકારે માત્ર ૧૭,૦૦૦ કરોડ રૂપિયા જ ખર્ચ્યા, જેના કારણે લાખો લોકોના સ્વચ્છ નળના પાણીના સપના અધૂરા રહ્યા.
બીજીબાજુ દેશના અનેક શહેરી વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીના અભાવે હજારો બાળકો અને નાગરિકો મોટા પાયે પાણીજન્ય રોગોથી ભોગ બની રહ્યા છે. આવાસ યોજનાઓમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે. પીએમએવાય-શહેરી, પીએમએવાય-શહેરી ૨.૦ અને પીએમએવાય-ગ્રામીણ-ત્રણેય યોજનાઓમાં બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે હજારો કરોડ રૂપિયાનો તફાવત જોવા મળ્યો છે.
બજેટ ૨૦૨૬ સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર સામાજિક ક્ષેત્રને પ્રાથમિકતા આપવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં ઘણી મહત્વની કલ્યાણકારી યોજનાઓમાં વચન અને ખર્ચ વચ્ચે મોટો અંતર જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી કેન્દ્રની ભાજપા સરકારની નિતિ અને નિયતમાં ખામીને લીધે ગરીબ અને નબળા વર્ગો પર તેની સીધી અસર પડી રહી છે. જેના લીધે દેશમાં સતત અસમાનતા વધી રહી છે.
૨૦૨૫-૨૬ ના વર્ષમાં ફાળવણી સામે વપરાયેલા નાણાં-
વિભાગ                               ન વપરાયેલા નાણાંની રકમ (કરોડોમાં)
આરોગ્ય                             ૩,૬૮૬
શિક્ષણ                               ૬,૭૦૧
સામાજિક કલ્યાણ              ૯,૯૯૯
કૃષિ                                    ૬,૯૮૫
ગ્રામ્ય વિકાસ                   ૫૩,૦૬૭
શહેરી વિકાસ                  ૩૯,૫૭૩
નોર્થ-ઈસ્ટ વિકાસ               ૧,૪૩૬
———————————–
કુલ (ન વપરાયેલા નાણાં) ૧,૨૧,૪૪૭

આ પણ વાંચોઃ VIDEO: જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાના પ્રારંભે કોંગ્રેસ પ્રમુખના ભાજપ સરકાર ઉપર પ્રહાર

Exit mobile version