Site icon Revoi.in

કાશ્મીરમાંથી વર્ષ 2024 સુધીમાં આતંકવાદનો ખાતમો બોલાવવાનો કેન્દ્ર સરકારનો દ્રઢ નિર્ધાર

Social Share

દિલ્હીઃ કાશ્મીરમાથી 370ની કલમ હટાવ્યાં બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને તેને દુનિયાના વિવિધ દેશો સમક્ષ કાશ્મીર મુદ્દે કાગારાડ મચાવી હતી. તેમજ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠનોએ કાશ્મીરમાં ફરીથી આતંકવાદી પ્રવૃતિ આચરવાનો મનસુબો બનાવ્યો હતો. જેથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓની ભારતમાં ઘુસણખોરીના અનેક પ્રયાસો કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં ભારતમાં રહેતા તેમના સાગરિતોને સરહદી વિસ્તારમાં ડ્રોનની મદદથી હથિયાર પુરા પાડવાની નાપાક હરકત શરૂ કરી હતી. ભારતીય સેનાએ અનેકવાર પાકિસ્તાનની આ હરકતને નિષ્ફળ બનાવી છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારે કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ અનેક આતંકવાદીઓને સુરક્ષા જવાનોએ ઠાર માર્યાં છે. જો કે, હવે ફરી એકવાર કાશ્મીર ઘાટીમાં આતંકવાદી પ્રવૃતિઓ વધી છે. જેથી સુરક્ષા એજન્સીઓએ વધારે સતર્ક બની છે. કેન્દ્ર સરકાર દ્વારા 2024 સુધીમાં કાશ્મીરમાંથી આતંકવાને નાથવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. જેથી સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનો છુટોદોર આપ્યો હોવાનું જાણવા મળે છે.

કાશ્મીરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ બે સપ્તાહના સમયગાળામાં જ 15 જેટલા આતંકવાદીઓને અથડામણમાં ઠાર માર્યાં છે. આતંકવાદીઓ સામેની કાર્યવાહીથી 9 જેટલા જવાનો પણ શહીદ થયાં છે. છેલ્લા કેટલાક દિવસોથી બિન-કાશ્મીરીઓની હત્યાના બનાવોમાં વધારો થયો છે. જેથી સુરક્ષા એજન્સીઓ વધારે સક્રિય બની છે. એટલું જ નહીં આવી ઘટનાઓ બનતી અટકાવવા અને આતંકવાદી પ્રવૃતિઓને ડામી દેવા માટે ઘાટી વિસ્તારમાં સર્ચની કવાયત શરૂ કરી છે. બીજી તરફ એનઆઈએ પણ કાશ્મીરમાં ધામા નાખીને રાષ્ટ્ર વિરોધી તત્વોને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ અનેક વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓની કામગીરીથી ડરી ગયેલા એક આતંકવાદી સંગઠને એનઆઈએને ધમકી પણ આપી છે. એટલું જ નહીં બિન-કાશ્મીરીઓને કાશ્મીર છોડી દેવાની પણ ધમકીઓ આપવામાં આવી છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને ગૃહમંત્રી સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓના સતત સંપર્કમાં છે. તેમજ આતંકવાદ પર સંપૂર્ણ લગામ લગાવવા માટે સેનાને છુટોદોર આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.