Site icon Revoi.in

ચીન બાદ હવે ખાલિસ્તાની સંગઠન ઉપર કેન્દ્ર સરકારની સર્જીકલ સ્ટાઈક, એપ-વેબસાઈટ બ્લોક કરાઈ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સંગઠન ‘શિખ્સ ફોર જસ્ટિસ’ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સરકારે ‘શિખ્સ ફોર જસ્ટિસ’ને લગતી એપ અને વેબસાઈટને બ્લોક કરી દીધી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, “ગુપ્તચર વિભાગની માહિતી પ્રમાણે આ ચેનલ ઑનલાઇન મીડિયાનો ઉપયોગ કરીને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણે, સૂચના અને પ્રસારણ મંત્રાલયે IT નિયમો હેઠળ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને પંજાબ પોલિટિક્સ ટીવીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે.

શીખ ફોર જસ્ટિસ નામના સંગઠન પર અલગતાવાદી ગતિવિધિઓને આગળ વધારવાનો આરોપ છે. થોડા સમય પહેલા લુધિયાણા કોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ આ સંગઠનનું નામ સામે આવ્યું હતું. આ સિવાય પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી હોવાના મામલામાં પણ આ સંગઠનની ચર્ચા થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં લેપ્સ સંબંધિત કેસના વકીલોને આ સંગઢન તરફથી ધમકીઓ મળી રહી હોવાની ચર્ચા હતી. એટલું જ નહીં ખાલિસ્તાનના સમર્થનમાં જનમત સંગ્રહ કરાવવાના મામલે બ્રિટન સહિત ઘણા દેશોમાં આ સંગઠનનું નામ પણ સામે આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પણ ખાલિસ્તાની સંગઠનની ચર્ચાઓ વહેતી થઈ હતી. કેન્દ્ર સરકારે દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારાઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે.