Site icon Revoi.in

ભારતમાં રહેલા અમુક પરિબળો અને વિદેશી તાકાત સનાતન એકતાને ખંડિત કરવાના કાવાદાવા કરે છેઃ ડો.ગુરુપ્રકાશ પાસવાન

Social Share

અમદાવાદઃ  ઉત્તર ભારતમાં દિવાળી પછી ઉજવાતી છઠ પૂજામાં સૌથી વધુ ભક્તિભાવ કોણ દર્શાવે છે? કાવડયાત્રામાં સૌથી વધુ કયા સમુદાયના લોકો હોય છે? રામનામી સંપ્રદાય શું છે અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો? શું શબરી વિના શ્રીરામની કલ્પના શક્ય છે? આ પ્રશ્નો સાથે પટણા યુનિવર્સિટી લૉ કૉલેજના પ્રાધ્યાપક ડૉ. ગુરુપ્રકાશ પાસવાને ભારતમાં દલિત વિમર્શ ઊભો કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

“ભારતમાં દલિત વિમર્શ” વિષય પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) અને સંસ્કૃતિ મંથન ચેરીટેબલ ટ્રસ્ટ (ભરતમંથન)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ચર્ચાસત્રમાં બોલતા ડૉ. પાસવાને કહ્યું કે, ભારતમાં રહેલાં અમુક પરિબળો તેમજ વિદેશી તાકાતો દેશની સનાતન એકતાના ખંડિત કરવા તમામ પ્રકારના કાવાદાવા કરે છે. આ માટે આ વિધ્વંસક પરિબળો સનાતનમાં જાતિપ્રથા છે તેમ કહી પ્રહાર કરે છે. હવે જો સનાતન વિરોધીઓની આ દલીલ નિષ્ફળ બનાવવી હોય, તેમના પ્રયાસોને નકામા બનાવવા હોય તો વેદ વ્યાસથી લઈને ડૉ. બાબાસાહેબ આંબેડકર સુધીના લોકો વિશે આપણા સમાજને વધુને વધુ જાગૃત કરવો પડશે. ડો. પાસવાને કહ્યું કે, જાતિ યથાર્થ છે, જાતિવાદ વ્યર્થ છે અને હિન્દુ સમર્થ છે- આ સૂત્રને આધારે સામાજિક રીતે વંચિત રહેલા લોકોને સમાન તક આપીને ભારતીયતાને મજબૂત કરવી પડશે.

ચર્ચાસત્રનો પ્રારંભ કરતા મેકર્સ ઑફ મોડર્ન દલિત હિસ્ટરીના સહ-લેખક સુદર્શન રામભદ્રન ચેન્નઈથી ઑનલાઈન જોડાયા હતા. તેમણે ગુરુપ્રકાશ પાસવાનની સાથે મળીને આ પુસ્તક કેવી રીતે લખ્યું, તેમાં જે 18 દલિત અગ્રણીઓ વિશે વિસ્તારથી વાત કરી છે તેનો વિચાર કેવી રીતે આવ્યો વગેરેની ભૂમિકા બાંધી હતી. અમેરિકામાં અભ્યાસ કર્યા બાદ ભારત પરત આવીને નીતિ વિષયક અને જાહેર બાબતો અંગે સંશોધન અને લેખન કરનાર સુદર્શન રામભદ્રને રાષ્ટ્રવાદી અભિગમ ધરાવતા દલિત અગ્રણીઓ વિશે દેશમાં દરેક જગ્યાએ, ખાસ કરીને નાનાં શહેરો અને નગરોમાં વ્યાપક ચર્ચા-વિચારણા અને વિમર્શ થાય એ જરૂરી છે.

આ કાર્યક્રમમાં સંસ્કૃતિ મંથન ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અલકેશભાઇ પટેલે, NIMCJના ડિરેક્ટર તથા સંસ્કૃતિ મંથન ટ્રસ્ટના સભ્ય ડૉ. શિરીષ કાશીકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.