Site icon Revoi.in

ભારતમાં કોરોનાની નવી લહેરની શકયતાઓ ખુબ ઓછીઃ ડો. રણદીપ ગુલેરિયા

Social Share

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના અનેક દેશો હાલ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ભારતમાં ઉપર પણ કોરોનાના નવા વેરિએન્ટ બીએફ 7નો ખતરો મંડરાય રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને અગમચેતી પગલા લેવામાં આવી રહ્યાં છે. જો કે, દેશમાં હાલ કોરોનાની ચોથી લહેરનો કોઈ ખતરો નહીં હોવાનું તબીબો માની રહ્યાં છે. તજજ્ઞોનું માનવું છે કે, ભારતમાં ચોથી લહેરની સંભાવના ખુબ ઓછી છે. દેશમાં 90 ટકાથી વધારે પ્રજામાં કોરોનાની સામે ઈમ્યુનિટી છે. તેમ છતા સાવચેતી રાખવી જરૂરી છે.

એમ્સના પૂર્વ ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, જો કેસ વધશે તો કેસ માઈલ્ડ હશે અને લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની શકયતાઓ ખુબ ઓછી હશે. ઓમિક્રોનનો સબ-વેરિએન્ટ બીએફ 7 થી હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગવાની શકયતાઓ નથી, આપણા શરીરમાં ઈમ્યુનિટી વધારે હોવાથી મૃત્યુની શકયતાઓ પણ ખુબ ઓછી છે. વેરિએન્ટ લાંબા સમય સુધી રહેશે પરંતુ તેનાથી ભારતમાં નવી લહેર આવવાની શકયતા નથી.

ભારતમાં કોરોનાની સંભવિત લહેરને લઈને મોદી સરકારે વિવિદ રાજ્યોને જરૂરી સુચનો કર્યાં છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને જરૂરી દવાઓ સહિતની સુવિધાઓ તૈયાર રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ગઈકાલે સમગ્ર દેશની હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ હતી. તેમજ કેન્દ્ર સરકારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે માસ્ક પહેરવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કોરોના ટેસ્ટીંગની સાથે રસીકરણને વેગવંતુ બનાવવામાં આવ્યું છે.

(PHOTO-FILE)