Site icon Revoi.in

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર, મૃત્યુઆંક 44ને પાર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ સપ્તાહથી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં 44 દર્દીઓનાં મૃત્યુ થયા છે.  ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 124 કેસ નોંધાયા છે. હાલમાં, ચાંદીપુરા વાયરસથી સંક્રમિત 54 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. શરૂઆતમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી હતી. જે બાદ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા મહાનગરોમાં દર્દીઓ જોવા મળી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા કેસને લઈને પુણેથી કેન્દ્ર સરકારની ટીમ આવી પહોંચી હતી, જેમણે જિલ્લાના ભિલોડા અને મેઘરજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં લોહીના સેમ્પલ તેમજ સેન્ડ ફ્લાયના નમૂના લીધા હતા. હવે લેબમાં તપાસ કરાશે. આ સિવાય તમામ જ્ગ્યાઓ કે જ્યાં કેસ મળેલા છે ત્યાં પાવડર છંટકાવ,સરવેલન્સની કામગીરી સતત ચાલુ છે. આ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સ્થિતિનું સતત મોનિટરીંગ કરી રહ્યા છે. 

અત્યાર સુધીમાં નોંધાયેલા ચાંદીપુરા વાયરસના 124 કેસમાંથી સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 6, મહિસાગરમાં 2, ખેડામાં 6, મહેસાણામાં 7, રાજકોટમાં 5, સુરેન્દ્રનગરમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગર, પંચમહાલમાં 6 કેસ નોંધાયા છે. જામનગરમાં 15, મોરબીમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટા ઉદેપુરમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 6, નર્મદામાં 2, બનાસકાંઠામાં 5, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 3, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 3, અમદાવાદમાં 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 દર્દી મળી આવ્યા છે.

ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ચાંદીપુરા વાયરસના કેટલાક કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા છે. એકનું મોત થયું છે, જ્યારે પાંચની સારવાર ચાલી રહી છે. તે જ સમયે, મધ્ય પ્રદેશમાં 2 અને મહારાષ્ટ્રમાં 1 દર્દી મળી આવ્યો છે.

આને લગતો પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે ચાંદીપુરા વાયરસ એક RNA વાયરસ છે, જે મોટાભાગે માદા ફ્લેબોટોમાઈન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં જોવા મળતા એડીસ તેના ફેલાવા માટે જવાબદાર છે.