Site icon Revoi.in

અમદાવાદમાં ચાર રસ્તાઓ પર ભીખ માગતા બાળકોને સિગ્નલ સ્કુલ બસ દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ

Social Share

અમદાવાદ :  શહેરના ચાર રસ્તા પરના સિગ્નલો પર ભીખ માગતા અનેક બાળકો જોવા મળે છે. આવા ભિક્ષુક બાળકોને શિક્ષણ આપવાની ગુજરાત સરકારે અનોખી પહેલ કરી છે. આજથી રસ્તે રખડતા ગરીબ બાળકોને બસ દ્વારા સિગ્નલ સ્કૂલથી શિક્ષણ આપવાનો પ્રારંભ કરાયો છે. ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલે સિગ્નલ સ્કૂલનું લોન્ચિંગ કર્યું હતુ.

અમદાવાદ શહેરમાં ભિક્ષુક બાળકોને શિક્ષણ આપવાનો સરકારનો અભિગમ સરાહનીય છે. કારણ કે ખાસ એ છે, ભિક્ષુક બાળકોને સ્કુલે નથી જવાનું પણ અદ્યતન સ્કુલ બસ બાળકો જ્યાં ભીખ માગતા હોય ત્યાં જશે અને શિક્ષકો દ્વારા સ્કુલબસમાં જ બાળકોને શિક્ષણ આપવામાં આવશે. સિગ્નલ સ્કૂલ એ રાજ્ય સરકારનો શિક્ષણ પ્રત્યે નવો અભિગમ છે. હાલ 10 બસોનું લોન્ચિંગ કરાયુ છે. આ 10 સ્કૂલ બસો મુખ્ય માર્ગો પર રસ્તે રખડતા બાળકોને શિક્ષણ અપાશે.

ગુજરાત હાઈકોર્ટના ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિગ્નલ સ્કૂલનું લોન્ચિંગ કર્યું હતુ. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણથી વંચિત રહેલા બાળકો માટે સિગ્નલ સ્કૂલનો નવતર પ્રયોગ છે. શહેરના રસ્તાઓ પર ઘણીવાર શિક્ષણથી વંચિત બાળકો જોવા મળતા હોય છે. જે શાળાએ અભ્યાસ માટે જઈ શકતા નથી. સ્કૂલ બોર્ડ દ્વારા આ વખતના બજેટમાં ખાસ સિગ્નલ સ્કૂલની જોગવાઈ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બાળકોના અભ્યાસ માટે ખાસ બસ તૈયાર કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારની સુવિધા છે.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,  સિગ્નલ સ્કૂલની શરૂઆત અમદાવાદમાં થઈ છે. 10 બસો દ્વારા દેશમાં પહેલીવાર આ રીતે શિક્ષણ શરૂ કરાયુ છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને રાજ્ય સરકારની પ્રેરણાથી આ શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષા ક્ષેત્રે નવા પ્રયોગ કરીને સૌને શિક્ષણ મળે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આ પ્રયોગ સફળ થશે. હવેથી રસ્તા પર જે વિદ્યાર્થીઓ ભટકે છે એમને ભણાવવાની શરૂઆત થશે. ઝૂંપડીમાં, રેલવે સ્ટેશન પર જે અભ્યાસથી વંચિત રહી જાય છે. એમને અભ્યાસ કરાવાશે.  સ્કુલબસમાં બે શિક્ષક રહેશે, બસમાં મધ્યાહન ભોજન પણ બાળકોને અપાશે.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સુપ્રિમ કોર્ટના જજ એમ.આર. શાહ, જજ બેલા ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર, જજ આર.એમ. છાયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મ્યુનિ. કમિશનર લોચન શહેરા, ડે. મેયર, કોર્પોરેટરો અને પદાધિકારીઓ હાજર હતા.

Exit mobile version