Site icon Revoi.in

ગુજરાત યુનિ.માં બી.કોમ, BBA, BCA સહિતની વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી, કોમ, બીબીએ, બીસીએ, સહિતની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે. કોમર્સ કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરાતા વિદ્યાર્થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અને ગત વર્ષના જે તે કોલેજોના મેરીટ લિસ્ટને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ કોલેજોની પસંદગી કરી રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીમાં બુધવારથી બી.કોમ, બીબીએ, બીસીએ, ડિઝાઇન સહિતના કોર્ષમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોતાની વિગત ભરીને અત્યારે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ગુજરાત બોર્ડ તરફથી યુનિવર્સિટીની પરિણામની સીડી મળતા આગળની પ્રક્રિયા શરૂ કરાશે. બે વર્ષથી કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થતી હતી. હવે કેસ ઘટતા રાબેતા મુજબ નવું સત્ર શરૂ થશે અને પ્રવેશ પ્રક્રિયાને પણ પ્રારંભ કરી દેવાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પણ આજે તા. 9મી  જૂનથી ડીપ્લોમાંથી ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમ માટેની રજીસ્ટ્રેશન કાર્યવાહી શરુ થશે. પ્રવેશ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ 9 થી 30 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરી શકશે. સમગ્ર પ્રવેશ પક્રિયા ઓનલાઈન કરવાની રહે છે. વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિની વેબસાઈટ www.gujacpc.nic.in થી રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરી શકશે. પ્રવેશ પક્રિયામાં ગુજરાતમાંથી વર્ષ 2021 માં કુલ 15 વિવિધ યુનિવર્સીટી/બોર્ડ માંથી ડીપ્લોમાં પાસ કરેલ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક રહે છે. વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશનની કાર્યવાહીમાં સુગમતા રહે તે હેતુસર સમગ્ર ગુજરાતમાં વિવિધ જીલ્લા સ્તરે ઈજનેરી કોલેજ ખાતે 98 જેટલા સાયબર સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.