Site icon Revoi.in

જીટીયુ દ્વારા સિવિલ ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગનું આયોજન કરાયું

Social Share

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનારા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે  તે હેતુસર, તાજેતરમાં જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ (સીસીસીએ) દ્વારા સિવિલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની 3 સપ્તાહની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે,સખત મહેનતનો અન્ય કોઈ વિકલ્પ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની ટ્રેનિંગ તેઓને ખૂબ જ મદદરૂપ થશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય ડૉ. શ્રૃતિબેન કિકાણી અને અન્ય વિષય તજજ્ઞો  દ્વારા વિદ્યાર્થીઓને વિષય સંબધીત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીટીયુ આયોજીત આ ટ્રેનિંગમાં 70થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

આગામી સમયમાં નર્મદા નિગમ અને સરકારના અન્ય વિભાગોમાં સિવિલ એન્જિનિયર્સની ભરતી કરવામાં આવવાની હોવાથી , જીટીયુ દ્વારા ટ્રેનિંગનું આયોજન કરાયું હતું.  જીપીએસસીના ભૂતપૂર્વ સભ્ય ડૉ. શ્રૃતિબેન કિકાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, થીયરીની સાથે – સાથે પ્રેક્ટીકલ જ્ઞાનનું મહત્વ ખૂબ જ છે.  સ્પર્ધાત્મક પરીક્ષાના ઈન્ટરવ્યુમાં વાસ્તવિક પરિસ્થિતિને અનુસંધાને જ પ્રશ્નો પૂછીને મૂલ્યાકન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે 3 સપ્તાહની ટ્રેનિંગ સહિત મોક ઈન્ટરવ્યુનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુના કુલપતિ અને કુલસચિવે ટ્રેનિંગના સફળ આયોજન બદલ સીસીસીએના ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી અને પ્રો. મૃદુલ શેઠને અભિનંદન પાઠવ્યા હતાં.

Exit mobile version