Site icon Revoi.in

પીએમ મોદી અને રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ, ચૂંટણીપંચે બન્ને પક્ષ પાસે માંગ્યો જવાબ

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઓફ કન્ડક્ટ’ (MCC)ના કથિત ઉલ્લંઘનની નોંધ લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસને નોટિસ પાઠવીને 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.

ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 લાગુ કરી અને પક્ષ પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા છે. આ અંતર્ગત, પ્રથમ પગલા તરીકે, વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગના આરોપોનો અનુક્રમે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આમાં તેમને 29 એપ્રિલ સુધીમાં જવાબ આપવા અને તેમના સ્ટાર પ્રચારકોને આચારસંહિતાનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

પંચે કહ્યું હતું કે, રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના આચરણ માટે પ્રાથમિક અને વધતી જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોના પ્રચાર ભાષણોના વધુ ગંભીર પરિણામો આવે છે. સ્ટાર પ્રચારકોએ પોતે આપેલા ભાષણો માટે જવાબદાર બનવું પડશે. પરંતુ વિવાદાસ્પદ ભાષણોના કિસ્સામાં, ચૂંટણી પંચ દરેક મુદ્દા પર પક્ષના વડાઓ પાસેથી જવાબ માંગશે. કોંગ્રેસ પાર્ટીએ બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અંગે ફરિયાદ કરી હતી. રાજસ્થાનના બાંસવાડામાં રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ લોકોની સંપત્તિનો સર્વે કરીને તેને ઘૂસણખોરોમાં વહેંચવા જઈ રહી છે. કોંગ્રેસની ફરિયાદ પર કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને નોટિસ મોકલી છે.