Site icon Revoi.in

રાજ્યની તમામ શાળા-કોલેજોમાં RT-PCR ટેસ્ટના ડોમ ઊભા કરવા આદેશ સામે તંત્રની મુંઝવણ

Social Share

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે નહીવત્ સંખ્યમાં કેસ નોંધાતા હોવાથી સરકારે નિયંત્રણો હળવા કરીને ધો.6થી 12 સુધીની શાળાઓ તેમજ કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરી દીધુ છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટની પદ્ધતિ અપનાવી છે. ત્યારે સરકારે એક પરિપત્ર પણ જારી કરીને સ્કૂલ અને કોલેજમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવા સ્થાનિક તંત્રોને આદેશ કર્યો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તાજેતરમાં પરિપત્ર કર્યો હતો જેમાં અમદાવાદની સ્કૂલ- કોલેજોમાં નિયમિત મોનિટરિંગ કરી સમયાંતરે વિદ્યાર્થીનો કોવિડ-19 આરટીપીસીઆર ટેસ્ટ કરવા આદેશ કર્યો છે. સરકારના પત્રથી મ્યુનિ. અધિકારીઓ મૂંઝવણમાં મૂકાયા છે. શહેરમાં આશરે 1700થી વધુ સ્કૂલ-કોલેજો છે. જેમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોરોના પીક પર હતો ત્યારે પણ શહેરમાં ક્યારેય 500થી વધુ આરટીપીસીઆર ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરી શકાયા નહોતા અને હવે આટલી મોટી સંખ્યામાં સ્કૂલ-કોલેજોમાં મોનિટરિંગ ફેસિલિટી ગોઠવવાની સાથેસાથે ટેસ્ટિંગ પણ કરવા આદેશ થયો છે.

આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, સરકાર તરફથી સોમવારે પરિપત્ર મળ્યો છે. શહેરની દરેક શાળા અને કોલેજમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ ફેસિલિટી ઊભી કરવા મુશ્કેલ છે. હાલ મોટી યુનિવર્સિટીનો સંપર્ક કરાયો છે અને 10 સ્પોટ નક્કી કરાયા છે જ્યાં મંગળવારથી તે કાર્યરત થઈ જશે. હાલ જે શાળા અથવા કોલેજમાંથી સામે ચાલી ડિમાન્ડ આવશે તેમને ત્યાં સેન્ટર ખોલાશે.

અમદાવાદ શહેરમાં જે શિક્ષણ સંસ્થા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવામાં આવશે. તેઓને કોર્પોરેશન દ્વારા ટેસ્ટ ડોમ ઊભા કરવામાં આવશે. હાલમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ટેસ્ટ ડોમ ઊભો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના ટેસ્ટિગની કાર્યવાહી 39 સ્થળોએ શરૂ કરવામાં આવી રહી છે. કોમ્પ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ શહેરમાં રોજના આરટીપીસીઆર 5500 ટેસ્ટ થઈ રહ્યા છે. એએમસીની અને ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટિગ કરવામાં આવી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરમાં અંદાજે 2000 એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.