Site icon Revoi.in

ગુજરાતમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ નહીં અપાતુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્‍યમાં આજે પણ 31,41,231 કરતાં વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ ગરીબ પરિવારોને સસ્‍તા અનાજની દુકાનેથી પૂરતું રાશન નહીં મળતું હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમજ  કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા અનાજ, દાળ અને ચોખાની ફાળવણીમાં દિન-પ્રતિદિન ઘટાડો કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ પરેશ ધાનાણીએ કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ‘અન્‍ન અધિકાર અભિયાન’માં ભાગ લેવા માટે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ડાંગ ખાતે પહોંચ્‍યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, કેન્‍દ્રએ ગુજરાતમાં ગરીબો માટે સસ્‍તાદરે ચોખા અને ઘઉં ફાળવ્‍યા હતા, પરંતુ સરકારી તંત્રની બેદરકારીના કારણે ફાળવેલો જથ્‍થો ઉપાડવામાં રાજ્‍યની ભાજપ સરકાર નિષ્‍ફળ નીવડી છે. સરકારી આંકડા મુજબ, કેન્‍દ્ર સરકારે પીએચએચ માટે 12,22,693 મેટ્રીક ટન જેટલો ઘઉંનો જથ્‍થો ફાળવ્‍યો હતો, તેની સામે રાજ્‍યની ભાજપ સરકાર માત્ર 9,73,794 મેટ્રીક ટન ઘઉંનો જથ્‍થો જ ઉપાડયો, એટલે બાકી રહેલો 2,48,923 મેટ્રીક ટન જેટલો ઘઉંનો જથ્‍થો ગરીબના કૂબામાં શું કામ ન પહોંચ્‍યો ? તેવો સવાલ ધાનાણીએ કર્યો હતો. ચોખાના ફાળવેલ જથ્‍થામાં પણ ક્‍યાંક સરકારી તંત્રની બેદરકારીના કારણે ઉપાડ ઓછો થયો છે અને તમામ ગરીબની થાળી સુધી પૂરતા પ્રમાણમાં ચોખાનો દાણો પહોંચી શક્‍યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના ગરીબ લોકોને રાશન લેવા જવું હોય તો પણ ઓનલાઈન સ્‍લીપ કઢાવવી પડે છે. ડાંગ જેવા પછાત જિલ્લામાં બધા ગામોમાં પૂરતી લાઈટ નથી, સંચાર વ્‍યવસ્‍થાનો અભાવ છે ત્‍યારે ગરીબ માણસને રાશન લેવા માટે પહેલાં પડોશના ગામમાં પહોંચ કઢાવવા જવા માટે 100 રૂપિયા લિટર પેટ્રોલનો ડામ સહન કરવો પડે છે. પાવતી કઢાવવા માટે ખાનગી લોકોને એક સ્‍લીપના રૂ10 આપવા પડે છે અને આકરો ખર્ચ કર્યા પછી પણ ગરીબ પરિવારને તેના અધિકારનું રાશન મળતું નથી.

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્‍ચે સામાન્‍ય માણસ જીવન જીવવા સંઘર્ષ કરી રહ્‌યો છે ત્‍યારે રાજ્‍ય સરકાર દ્વારા લાખો રેશનકાર્ડ બીપીએલમાંથી એપીએલમાં ધકેલવામાં આવી રહ્‌યા છે, કેટલાય બીપીએલ કાર્ડ રદ્દ કરવામાં આવી રહ્‌યા છે. સમગ્ર ગુજરાતમાં આજની સ્‍થિતિએ છેલ્લા છ મહિનામાં જે પરિવારો કોરોનાની મહામારી વચ્‍ચે કોઈ કારણોસર સસ્‍તા અનાજની દુકાનેથી અનાજનો જથ્‍થો લઈ શક્‍યા નથી તેવા લાખો રેશનકાર્ડ ભાજપ સરકારે સમગ્ર રાજ્‍યમાં સીઝ કરી બંધ કરી દીધા છે.

કોંગ્રેસ સરકાર વખતે ગુજરાતમાં 900 લાખ લિટર કેરોસીનનો જથ્‍થો ગુજરાતની ગરીબ પ્રજાને સસ્‍તા દરે ફાળવવામાં આવતો હતો. આજે ગુજરાતના પનોતા પુત્ર નરેન્‍દ્ર મોદી દેશનું નેતૃત્‍વ કરી રહ્‌યા છે ત્‍યારે કેરોસીનનો જથ્થો ૩૦૦ લાખ લિટર કરતાં પણ ઓછો થઈ ગયો છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતની ગૃહિણીને રૂ. 379ના ભાવે ગેસનો બાટલો ઘર સુધી પહોંચતો હતો તેના તેના બદલે આજે રૂ. 850ના ભાવે મળે છે.

(PHOTO-FILE)