Site icon Revoi.in

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કૉંગ્રેસને મોટો આંચકો, ધારાસભ્ય સી. જે. ચાવડાએ “પંજો” છોડયો!

Social Share

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ માટે એક સાંધેને તેર તૂટે આવી સ્થિતિ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને વીજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ વિધાનસભાની સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું છે. સી. જે. ચાવડા ભાજપમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે. ચાવડા ગુજરાત કોંગ્રેસના મોટા નેતા હતા. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ લહેર છતાં તેઓ પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા હતા.

ચાવડા પહેલા અંકલેશ્વરથી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભાની સદસ્યતા છોડી હતી. બે ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસની ગુજરાત વિધાનસભામાં બેઠકો ઘટીને માત્ર 15 થઈ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી માત્ર 17 બેઠકો કોંગ્રેસને મળી હતી. વીજાપુરથી ધારાસભ્ય સી. જે. ચાવડાએ વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. સ્પીકરે ચાવડાનું રાજીનામું તાત્કાલિક સ્વીકાર્યું છે. સી. જે. ચાવડા સૌથી પહેલા 2017માં ગાંધીનગર નોર્થ બેઠક પર જીત મેળવીને ધારાસભ્ય બન્યા હતા.

ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ સી. જે. ચાવડા (#cjchavda) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામના વખાણ કરીને ભાજપમાં જોડાવાના સંકેત પણ આપી દીધા છે. ચાવડાએ કહ્યુ છે કે તાજેતરમાં દેશની જે સ્થિતિ છે, તેના પ્રમાણે નિર્ણય કરવામાં આવે છે. ચાવડાએ ભાજપમાં સામેલ થવાના સવાલનો સીધો તો કોઈ જવાબ આપ્યો ન હતો. ચર્ચા છે કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ચાવડા ભાજપમાં સામેલ થાય તેવી સંભાવના છે.

સી. જે. ચાવડાએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કદ્દાવર નેતા રમણભાઈ પટેલને હરાવીને વીજાપુર બેઠક પર જીત મળેવી હતી. ચાવડાએ કહ્યુ છે કે હાલ કોંગ્રેસની સ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈપણ સારું કામ કરે છે, તો પણ પાર્ટી આલોચના કરે છે. અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના મામલાને ટાંકીને ચાવડાએ કહ્યુ છે કે તેમના માટે કોંગ્રેસના ધારાસભ્ય બનેલા રહેવું મુશ્કેલ હતું. ચાવડાએ ભાજપમાં જોડાવાના સવાલ પર કહ્યુ કે પોતાના વિધાનસભા મતવિસ્તારના મતદાતાઓ સાથે વાતચીત કરીને તઓ આગામી નિર્ણય લેશે. ગુજરાતમાં સી. જે. ચાડાના રાજીનામા બાદ ત્રણ બેઠકો ખાલી થઈ ગઈ છે. આમા કોંગ્રેસના બે ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યના રાજીનામાના કારણે વિધાનસભાની ત્રણ બેઠકો ખાલી થઈ છે.

સી. જે. ચાવડાનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાત પણ આવી રહ્યા છે. પહેલી ભારત જોડો યાત્રામાં ગુજરાતને સામેલ કરવામાં આવ્યું ન હતું. ત્યારે ભાજપે તેને ઘણો મોટો મુદ્દો બનાવ્યો હતો. ભારત જોડો યાત્રાને કારણે રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્યારે માત્ર બે રેલીઓ કરી શક્યા હતા. ચાવડા લાંબા સમયથી કોંગ્રેસમાં હતા. તેઓ ધારાસભ્ય હોવાની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઘણાં પદો પર પણ હતા. ચાવડાના રાજીનામા બાદ ચર્ચા છે કે તેઓ સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પણ બને તેવી સંભાવના છે. 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. આનું 2024ની લોકસભા ચૂંટણીમાં પણ પુનરાવર્તન કરવાની રણનીતિ પર ભાજપ કામ કરી રહ્યું છે.

#cjchavda #incgujarat #Congress