Site icon Revoi.in

ગુજરાતના પ્રશ્ને કોંગ્રેસના હાઈકમાન્ડને કોઈ રસ જ નથી, ધારાસભ્યો સોનિયા ગાંધીને રજુઆત કરવા દિલ્હી જશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાં મુખ્ય ગણાતી પ્રભારીની જગ્યા ખાલી છે. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બદલવાનો નિર્ણય લેવાતો નથી. કોંગ્રેસના હાઈકમાન્ડની નિષ્ક્રિયતાને કારણે પાર્ટીના કાર્યકરો જ નહીં પણ હવે પ્રદેશના નેતાઓ પણ નારાજ બન્યા છે. અને આ મુદ્દે હાઈકમાન્ડનું ધ્યાન દોરવાનું નક્કી કરાયું છે, તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને મળી હતી. ધારાસભ્યોએ એક સૂરે પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા બદલવા માગતા હોય તો આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. આ બાબતે ધારાસભ્યો દિલ્હી જશે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રજૂઆત કરશે તેમ રાજકીય સૂત્રોનું કહેવું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને મળેલી  બેઠકમાં લગભગ 40 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકનો ઉદ્દેશ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓની નિમણુક લઈને મોવડી મંડળ સમક્ષ રજૂઆત કરવાનો હતો. ચૂટણી રણનીતિકાર તરીકે કે કોઈ હોદ્દે આપીને પ્રશાંત કિશેરને ગુજરાતની કમાન સોંપવામાં આવે તેવો ઠરાવ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો છે. કોંગ્રેસ માટે વર્ષ 2022ની ચૂંટણી પક્ષના અસ્તિત્વ માટે ખૂબજ મહત્વની છે. નવા નેતાઓની નિયુક્તિ કરવામાં આવે તો કાર્યકરોમાં ઉત્સાહ લાવી શકાય તેમ છે. કોંગ્રેસનું હાઈકમાન્ડ ગુજરાતના મુદ્દે ખૂબજ નિરસ હોય તેમ લાગી રહ્યું છે. અહેમદ પટેલ હતા ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રશ્નો કે કોઈ સમસ્યા હોય તો ત્વરિત નિર્ણય કરાતો હતો. હવે ચિત્ર બદલાઈ ગયું છે. ગુજરાતના ધારાસભ્યો સહિતનું પ્રતિનિધિ મંડળ ટુક સમયમાં દિલ્હી રજુઆત કરવા માટે જશે.

Exit mobile version