Site icon Revoi.in

ઈન્ડિ ગઠબંધનમાં તમામ નાના પક્ષોને સાથે લાવવાની જવાબદારી કોંગ્રેસનીઃ અખિલેશ યાદવ

Social Share

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વિપક્ષી દળોએ કોંગ્રેસની આગેવાનીમાં ઈન્ડિ ગઠબંધન બનાવ્યું છે. જો કે, આ ગઠબંધન તુટે તેવી પરિસ્થિતિનું હાલના સમયમાં નિર્માણ થયું છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળ અને આમ આદમી પાર્ટીએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી પડવાની તૈયારી દર્શાવી છે. જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વિપક્ષી ગઠબંધન સાથે છેડો ફાડીને ફરીથી ભાજપાની આગેવાનીમાં એનડીએમાં જોડાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તમામ નાના રાજકીય પક્ષોને સાથે લાવવાની જવાબદારી કોંગ્રેસની હોવાનો દાવો કર્યો છે. તેમજ તેમણે નીતિશકુમાર એનડીએમાં નહીં જોડાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે, કોંગ્રેસ પર નાના પક્ષોને સાથે લેવાની ‘મોટી જવાબદારી’ છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસીના વડા મમતા બેનર્જીના લોકસભા ચૂંટણી એકલા લડવાના નિર્ણય વિશે પૂછવામાં આવતા, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું કે મમતા બેનર્જીએ (એકલા) લડવાનું છે, તેથી કોંગ્રેસે તેમને મનાવવા જોઈએ કારણ કે ટીએમસી નાનો પક્ષ છે. પક્ષોને સાથે લેવાની કોંગ્રેસની મોટી જવાબદારી. એસપી, કોંગ્રેસ અને ટીએમસી દેશભરના વિવિધ વિરોધ પક્ષો સાથે I.N.D.I.Aના (ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન)ના સભ્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના એનડીએમાં જોડાવાની સંભાવનાના પ્રશ્ન પર યાદવે કહ્યું કે, અમને આશા છે કે નીતિશ કુમાર એનડીએમાં નહીં જોડાય. નીતિશ કુમાર પણ ઈન્ડિ ગઠબંધનને મજબૂત કરશે. ઉત્તર પ્રદેશમાં ગઠબંધન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ખૂબ જ સારું ગઠબંધન બની રહ્યું છે. ગઠબંધન સીટો માટે નથી, પરંતુ જીત માટે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસને કેટલી સીટો મળશે તો તેમણે કહ્યું કે ‘જીત એ સીટ શેરિંગ વ્યૂહરચનાનો એક ભાગ છે.’