Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલને GST હેઠળ આવરી લેવાની વિચારણા, ઈંધણના ભાવમાં હજુ ઘટાડો થવાની શક્યતા

Social Share

દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક્સાઈટ ટેક્સ ઘટાડીને દેશની જનતાને રાહત આપી છે. ઈંધણના ભાવમાં ઘટાડો થાય તે દિશામાં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો કામગીરી કરી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાથી આ ઉત્પાદનો પરનો ટેક્સ ઘટશે. જેથી પ્રજાને રાહત મળવાની સાથે કેન્દ્ર અને રાજ્યો બંનેની આવકમાં પણ વધારો થશે.

એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, કેટલાક રાજ્યો ઈંધણને જીએસટી હેઠળ લેવાનો વિરોધ કરી રહ્યાં છે. જેથી પેટ્રોલ-ડીઝલને જીએસટીથી બહાર રાખવાનો જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જો રાજ્ય સરકારોનું સમર્થન મળશે તો નાણાપ્રધાન નિર્મલા સીતારમણ જીએસટીના દાયરામાં લાવવાનો પ્રયાસ કરાશે. અમે ચૂંટણી જીતવા માટે રાજનીતિ નથી કરતા. અમારા માટે રાજનીતિ સામાજિક અને આર્થિક સુધારાનું સાધન છે. સરકાર ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને વધારવાના ઉપાયો પર કામ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સાને વ્યાપક અસર થઈ હતી. એટલું જ નહીં ટ્રાન્સપોર્ટેશન મોંઘુ જતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જેથી દેશની જનતામાં રોષ ફેલાયો હતો. જો કે, કેન્દ્ર અને કેટલાક રાજ્ય સરકારોએ ટેક્સમાં ઘટાડો થતા ઈંધણના ભાવમાં ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં હજુ ઈંધણના ભાવમાં ઘટાડો થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.