Site icon Revoi.in

વધુ પડતું પ્રોટીન લેવું સ્વાસ્થ્ય માટે બની શકે છે જોખમી

Social Share

આજના સમયમાં ફિટનેસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. જીમ જવું, ડાયટ પ્લાન ફોલો કરવો અને ખાસ કરીને હાઈ-પ્રોટીન ફૂડ લેવું એક ટ્રેન્ડ બની ગયો છે. મસલ્સ બનાવવા અને વજન ઘટાડવા માટે લોકો પ્રોટીન પાઉડર અને સપ્લીમેન્ટ્સનો આંધળો ઉપયોગ કરી રહ્યા છે. પ્રોટીન શરીર માટે અનિવાર્ય પોષક તત્વ છે, પરંતુ નિષ્ણાતોની સલાહ વગર તેનું વધુ પડતું સેવન ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરિયાત તેની ઉંમર, વજન અને શારીરિક શ્રમ પર આધારિત હોય છે. જો તમે જરૂરિયાત કરતા વધુ પ્રોટીન લો છો, તો શરીર આ 5 સંકેતો દ્વારા ચેતવણી આપે છે:

‘હેલ્થલાઈન’ના રિપોર્ટ મુજબ, વધુ પડતું પ્રોટીન કિડની પર વધારાનું ભારણ વધારે છે. જો તમને પેશાબમાં ફીણ (Foamy Urine) દેખાય અથવા પેશાબના રંગમાં ફેરફાર જણાય, તો તે સંકેત છે કે તમારી કિડનીએ પ્રોટીનને ફિલ્ટર કરવા માટે વધુ મહેનત કરવી પડી રહી છે.

વધુ પ્રોટીન લેવાથી શરીરમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધે છે. આ નાઈટ્રોજનને બહાર કાઢવા માટે શરીર વધુ પાણીનો ઉપયોગ કરે છે, જેના કારણે વ્યક્તિને વારંવાર તરસ લાગે છે અને શરીરમાં પાણીની અછત એટલે કે ડિહાઈડ્રેશનનો અનુભવ થાય છે.

જરૂર કરતા વધુ પ્રોટીન પાચનતંત્રને બગાડી શકે છે. જો તમને સતત ગેસ, કબજિયાત અથવા ઝાડા (ડાયરિયા) જેવી સમસ્યાઓ રહેતી હોય, તો સમજી લેવું કે તમારું પ્રોટીન ઇન્ટેક શરીરની ક્ષમતા કરતા વધારે છે.

હાઈ-પ્રોટીન ડાયટને કારણે ઘણીવાર શ્વાસમાં દુર્ગંધ આવવાની સમસ્યા સર્જાય છે. જ્યારે શરીર કાર્બ્સને બદલે ફેટ બાળવાનું શરૂ કરે છે ત્યારે ‘કીટોસિસ’ની સ્થિતિ સર્જાય છે, જે મોઢામાં દુર્ગંધ પેદા કરી શકે છે.

મોટાભાગના લોકો માને છે કે પ્રોટીન માત્ર મસલ્સ બનાવે છે, પરંતુ હકીકત એ છે કે જો પ્રોટીન મર્યાદા કરતા વધુ લેવામાં આવે અને તે શરીરમાં વપરાય નહીં, તો તે ચરબી (Fat) તરીકે જમા થવા લાગે છે, જેનાથી વજન વધી શકે છે.

 હેલ્થ એક્સપર્ટના મતે, “વધારે પડતુ પ્રોટીનની સૌથી ખરાબ અસર હાડકાં પર પડે છે. જ્યારે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધે છે, ત્યારે તે કેલ્શિયમને બહાર કાઢવા લાગે છે. આનાથી હાડકાં નબળા પડે છે અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે.” પ્રોટીન હંમેશા તમારી ઉંમર અને વજનના પ્રમાણમાં જ લેવું જોઈએ. કોઈપણ સપ્લીમેન્ટ શરૂ કરતા પહેલા ડોક્ટર કે ડાયટિશિયનની સલાહ લેવી હિતાવહ છે.

Exit mobile version