Site icon Revoi.in

કોરોના સંકટઃ ગુજરાતમાં ટેસ્ટીંગમાં કરાયો વધારો, રોજના 70 હજાર જેટલા ટેસ્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જ 170થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોરોના અને ઓમિક્રોનની પરિસ્થિતિને લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં હાલ રોજના 70 હજાર જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં હોવાનું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કોરોનાની હાલની પરિસ્થિતિને લઈને જરૂરી સુચનો કર્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે રાજ્યમાં બે ડોઝની 85 ટકા અને એક ડોઝની 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા રોજના 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવતા હોવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

(PHOTO-FILE)