Site icon Revoi.in

કોરોના સંકટઃ ભારતમાં ઓગસ્ટ મહિનામાં 15 લાખથી વધારે લોકો બન્યાં બેરોજગાર

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે અને અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. દરમિયાન ઓગસ્ટ મહિનામાં ઔપચારિક અને અનૌપચારિક રીતે 15 લાખથી વધારે લોકો બેરોજગાર બન્યાં હતા. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયા ઈકોનોમી (CMIE)ના રિપોર્ટ અનુસાર રોજગારી મેળવનારા લોકોની સંખ્યા જુલાઈમાં ૩૯૯.૩૮ મિલિયનથી ઘટીને ઓગસ્ટમાં ૩૯૭.૭૮ મિલિયન થઈ ગઈ છે. એક મહિનામાં ગ્રામીણ વિસ્તારમાં લગભગ ૧૩ લાખ લોકોએ નોકરી ગુમાવી હોવાનું જાણવા મળે છે.

રિપોર્ટ અનુસાર જુલાઈમાં રાષ્ટ્ર્રીય બેરોજગારીનો દર ૬.૯૫ ટકાથી વધીને ૮.૩૨ ટકા થયો છે. જુલાઈમાં તે ૮.૩ ટકા, જૂનમાં ૧૦.૦૭ ટકા, મેમાં ૧૪.૭૩ ટકા અને એપ્રિલમાં ૯.૭૮ ટકા હતો. માર્ચ મહિનામાં કોરોના સંક્રમણની બીજી લહેર ભારતમાં આવી તે પહેલા શહેરી બેરોજગારીનો દર ૭.૨૭ ટકાની આસપાસ રહ્યો હતો. ઓગસ્ટમાં રોજગાર દરમાં ઘટાડો થયો છે, પરંતુ કર્મચારીઓની ભાગીદારી દરમાં થોડો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર મોટી સંખ્યામાં લોકો જોબ માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે. જુલાઈમાં લગભગ ૩૦ મિલિયન લોકો કામની શોધમાં હતા, જ્યારે ઓગસ્ટમાં ૩૬ મિલિયન લોકો કામ શોધી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ 2020થી ભારત સહિત દુનિયાના તમામ દેશોમાં કોરોનાનો પગપેસારો થયો હતો. જેના કારણે લોકડાઉન અને કર્ફ્યુ સહિતના નિયંત્રણો મુકવામાં આવ્યાં હતા. તેમજ કોરોનાને કારણે વેપાર-ધંધાને પણ વ્યાપક અસર થઈ હોવાથી લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. અનેક કંપનીઓ બધં થવાના કારણે જોબ માર્કેટ સંકોચાઈ ગયું છે અને લોકોને રોજગારી મેળવવામાં મુશ્કેલી પડવા લાગી છે.