Site icon Revoi.in

કોરોના કહેરઃ રાજ્યમાં સોમવારથી રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું કરાશે વિતરણ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.

મુખ્ય મંત્રીએ જિલ્લા વહિવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે. એટલું જ નહિ, સરકાર તરફથી તમામ જરૂરી મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે. કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા આગામી સોમવાર તા.10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા સમગ્ર રાજ્યમાં દરરોજ કુલ મળીને બે હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે તેનો પણ લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.

ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્ર વાહકોને એવો અનુરોધ કર્યો કે જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમીટ થયા હોય તેમનું પણ સતત મોનીટરીંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે. મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરોને જરૂરિયાત મુજબ ધનવંતરી રથ અને સંજીવની રથ વધુ મોબીલાઇઝ કરવા તથા કોન્ટેકટ ટ્રેસિંગ વ્યાપક બનાવવા અને દરરોજના ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવાની સૂચનાઓ આપી હતી.