અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલોમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર ઓફલાઈન વર્ગો ચલાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટની કેટલીક શાળાઓમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. રાજકોટની 3 શાળામાં 4 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આ સ્કૂલોને બંધ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની એક શાળાના બે વિદ્યાર્થી કોરોના સંક્રિમત થયાં હતા. આ ઉપરાંત અન્ય સ્કૂલમાં ધો-5માં અભ્યાસ કરતો વિદ્યાર્થીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. એટલું જ નહીં એક સ્કૂલના શિક્ષકનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આમ 3 શાળામાં કોરોનાનું સંક્રમણ મળતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
દરમિયાન એક સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ લેતી એક વિદ્યાર્થિનીને પણ કોરોના થયો હોવાની માહિતી મળી છે. આ વિદ્યાર્થિની જાણીતી શાળામાં ઓનલાઇન અભ્યાસ મેળવતી હતી. જોકે આ વિદ્યાર્થિની ઓનલાઇન શિક્ષણ મેળવતી હોવાથી શાળા તંત્ર માટે ચિંતાનો વિષય રહ્યો નથી. રાજકોટમાં ચાર શાળાઓમાં કોરોનાના કેસ સામે આવવાના કારણે વાલીઓની ચિંતા વધી છે. ત્રણ શાળાઓેને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે રાજ્યની સ્કૂલોમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો છે. તાજેતરમાં વસલાટની એક સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં વડોદરામાં પણ એક વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આમ હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં હોવાથી વાલીઓમાં ચિંતા ફેલાઈ છે.