Site icon Revoi.in

ગાંધીનગર સચિવાલયના તમામ કર્મચારીઓને અપાશે કોરોનાની વેક્સિન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કેટલાક મંત્રીના સ્ટાફમાં પણ સંક્રમણ જોવા મળ્યું છે. સરકારી કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે ચિંતા વ્યક્ત કરીને સચિવાલયના તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાનસભામાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે વિધાનસભા અધ્યક્ષે આદેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કેટલાક મંત્રીઓનો સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે. જેથી આ મંત્રીઓને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં હતા. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે સચિવાલયના તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રીઓના સ્ટાફને પણ કોરોનાની રસી આપવામાં આવશે.

હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધતું હોવાથી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત વિધાનસભામાં માસ્ક વગર હવે કોઈ પકડાશે તો તેમની પાસેથી રૂ. એક હજારનો દંડ વસુલવામાં આવશે. તેમજ વિધાનસભાનો સ્ટાફ અને ધારાસભ્યોને જ વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન તેજ ગતિથી ચાલી રહ્યું છે. દરરોજ બે લાખથી વધુ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સાથે 2500થી વધારે કેન્દ્રો ઉપર 60 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓ તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે.