Site icon Revoi.in

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં કોરોનાને લઈ હવે ઓનલાઈન કામગીરી કરાશે

Social Share

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતાં હવે ખાનગી જ નહીં પણ સરકારી કચેરીઓમાં પણ વધુ સાવચેતી દાખવવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાની બંને શિક્ષણાધિકારી કચેરીમાં રોજ મોટી સંખ્યામાં મુલાકાતીઓ કોઈને કોઈ કારણ સર આવતા હોય છે ત્યારે કોરોનાના વધતા કેસોની ગંભીરતાને ધ્યાને રાખી એક મહત્વનો નિર્ણય જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ અને વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે સંકળાયેલી શાળાઓ અને વાલીઓને અગવડ ન પડે તે માટે શાળાઓની જેમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની કામગીરી પણ ઓનલાઇન કરાઈ છે. હવે શાળાઓની માફક શિક્ષણ અધિકારી કચેરીમાં પણ ઓનલાઇન વર્ક થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને લઈને અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ડીઇઓ કચેરીની વહીવટી કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. અનિવાર્ય સંજોગો સિવાય કચેરીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. શાળાઓ અને શિક્ષકોએ રોજિંદી કામગીરી ઇ-મેઈલ અને ઓનલાઇન કરવી પડશે. શહેરની ડીઇઓ કચેરી સાથે 2 હજાર શાળાઓ સંકળાયેલી છે. અને આ શાળામાં અભ્યાસ કરતા લાખો બાળકો અને હજારો શિક્ષકો છે. ત્યારે હવે વહીવટી કામગીરી ઓનલાઇન જ કરવામાં આવશે. વાલીઓની ફરિયાદ પણ ઓનલાઇન ઈમેલથી જ સ્વીકારવામાં આવશે. ડીઇઓ કચેરીની કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. હવે ધોરણ 10થી 12 સિવાય ધોરણ 1થી 9ની શાળાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ્યારે કોરોનાના કેસ ઓછા હતા ત્યારે પણ ઓફીસમાં પ્રવેશ માટે વેકસીન સર્ટીફીકેટ ફરજિયાત કર્યું હતું.  હવે કેસો વધતા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.