Site icon Revoi.in

કેન્સરની નકલી દવાના રેકેટનો પર્દાફાશઃ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં ગોડાઉનમાંથી મળ્યો દવાનો જથ્થો

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં બનેલી કેન્સરની નકલી દવાઓ દેશભરમાં વેચાઈ રહી છે. દિલ્હીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો અને એન્જિનિયરો કેન્સરના દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા હતા. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ ગેંગનો પર્દાફાશ કરતી વખતે વિગતવાર તપાસ રિપોર્ટમાં આ ખુલાસો કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની ધરપકડ બાદ, નકલી દવાઓ ખરીદનારા કેન્સરના 16 દર્દીઓના પરિવારો સામે આવ્યા છે. તેમણે કહ્યું છે કે, કોઈ વ્યક્તિની આંખોની રોશની ઘટી છે, તો કેટલાક દર્દીના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. આ પીડિતોની ફરિયાદના આધારે પોલીસે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન દિલ્હીના લોની, નોઈડા અને ગાઝિયાબાદમાં નકલી કેન્સરની દવાઓના ગોડાઉન મળી આવ્યા હતા. પોલીસે અહીંથી કેન્સરની નકલી દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

પોલીસે રિપોર્ટમાં જણાવ્યું છે કે ચીનથી અભ્યાસ કરીને આવેલા ડોકટરે બાંગ્લાદેશના સાથી ડોક્ટર સાથે મળીને વધુ નફો કમાવવા વર્ષ 2018માં કેન્સરની નકલી દવાઓ બનાવવાનું શરૂ કર્યું હતું. આ પછી, ધીમે ધીમે આ રેકેટમાં એન્જિનિયરો અને અન્ય વિભાગોમાં કામ કરતા લોકોનો જોડાયાં હતા. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસ રિપોર્ટ પર ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું હતું કે, પ્રથમદર્શી પુરાવાના આધારે એવું કહી શકાય કે આવા જઘન્ય કૃત્ય કરનારા લોકોમાં માનવતા હોઈ શકે નહીં. આ માત્ર કેન્સર જેવા રોગથી પીડિત દર્દીઓ સાથે છેતરપિંડી નથી, પરંતુ માનવતાની હત્યા કરવાનો કેસ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, હરિયાણાના મુરથલમાં બનાવટી દવાઓમાં કેલ્શિયમ પાવડર અને મકાઈનો લોટ ભેળવવામાં આવી રહ્યો હતો. કેપ્સ્યુલ પરની આઉટર પ્રિન્ટ ઈન્દોરથી કરવામાં આવી રહી હતી. આ ખાલી કેપ્સ્યુલ ભરતી વખતે મુરથલ જતી હતી. તપાસમાં આ વાત પણ સામે આવી છે. આ કાળા કારોબારમાં દિલ્હીના અનેક ડ્રગ ડીલરો પણ સામેલ હોવાનું જાણવા મળે છે. આ ડીલરો આરોપીઓ પાસેથી નકલી દવાઓ લેતા હતા અને આ દવાઓનું બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. આરોપીઓએ કાળો કારોબાર દેશના મોટા ભાગમાં ફેલાવ્યો હતો.

(PHOTO-FILE)