Site icon Revoi.in

અમદાવાદમાં હવે ક્રેડિટ, ડેબિટ કાર્ડથી પણ ટ્રાફિક ભંગનો દંડ વસૂલાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકનું નિયમન બરાબર જળવાય રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે, લોકો ટ્રાફિકના કાયદાનું પાલન કરતા થાય તે માટે ઈ-માધ્યમથી પણ દંડ વસુલવામાં આવશે. જેમાં આવતી કાલ તા. 30 જુલાઈ 2021થી અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને પણ વાહનચાલક પાસેથી સ્થળ પરથી દંડ વસૂલવાનું શરૂ કરશે. આ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે 150 સ્વાઈપ મશીનો ખરીદ્યા છે. જેના માટે ટ્રાફિક પોલીસના 150 હેડ કોન્સ્ટેબલોને મશીનમાં કાર્ડ સ્વાઈપ કરીને દંડ વસૂલવાની 3 દિવસની ટ્રેનિંગ આપી હતી. પ્રાયોગિક ધોરણે પશ્ચિમ અમદાવાદમાં સ્વાઈપ મશીનથી દંડ વસૂલવાનું શરૂ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ઘણાં કિસ્સામાં વાહન ચાલક પાસે દંડના પૈસા ન હોવાથી પોલીસ તેમનું વાહન કે લાઈસન્સ જમા લઈને દંડના મેમાની રશીદ આપે છે. જ્યારે વાહન ચાલક થોડા સમય બાદ કે બીજા દિવસે પૈસા ભરીને વાહન-લાઈસન્સ છોડાવી જાય છે. હાલમાં મોટા ભાગના લોકો ક્રેડિટ-ડેબિટ કાર્ડ રાખતા હોય છે, જેથી કાર્ડ સ્વાઈપ કરીને સ્થળ પરથી દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસે લાંબા સમયથી પ્રક્રિયા શરૂ કરી હતી. ટ્રાફિક પોલીસને 150 સ્વાઈપ મશીન ફાળવ્યા છે, જેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે ટ્રાફિક પોલીસના 150 હેડ કોન્સ્ટેબલોને 3 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 30 જૂલાઈથી ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરી દંડ વસૂલશે. આ 150 મશીન પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક પોલીસકર્મીઓને અપાયા છે.

(PHOTO-FILE)