Site icon Revoi.in

CUET UG 2026: પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ ખામી સર્જાયા પરીક્ષામાં થયો વિલંબ

Social Share

નવી દિલ્હી, 30 મે 2026: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2026 ની પરીક્ષાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે એટલે કે 30 મેના રોજ લેવાઈ રહેલી પરીક્ષામાં કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પરીક્ષા શરૂ થવામાં વિલંબ થયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છે કે તેમના પરીક્ષા પાર્ટનર ટીસીએસ દ્વારા આ ટેકનિકલ ખામીની જાણ કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, હવે આ સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે અને તમામ ઉમેદવારોને વધારાનો પૂરો સમય આપવામાં આવશે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન ન થાય.

એનટીએનાના જણાવ્યા અનુસાર, બપોરના સેશનમાં પરીક્ષા આપનારા ઉમેદવારોને બપોરે 2:30 વાગ્યાથી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે પરીક્ષા તેના નિર્ધારિત સમય બપોરે 3 વાગ્યાના બદલે 4 વાગ્યાથી શરૂ થશે. વધુમાં એનટીએએ સ્પષ્ટ કર્યું છે કે સવારના સેશનમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પણ પેપર માટે પૂરો સમય આપવામાં આવી રહ્યો છે અને તેઓ પોતાનું આખું પેપર ઉકેલ્યા પછી જ પરીક્ષા ખંડની બહાર જઈ શકશે.

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટની પહેલી શિફ્ટમાં વિવિધ રાજ્યોના કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ ખામીના કારણે કથિત રીતે બે કલાકથી વધુનો વિલંબ નોંધાયો હતો. આ પરીક્ષા મૂળભૂત રીતે સવારે 9 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ તે ઘણી મોડી શરૂ થઈ શકી. આ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની બહાર કાળઝાળ ગરમીમાં રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓએ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો શેર કરી હતી અને રોષ ઠાલવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ યુજી પરીક્ષા 11 મે 2026 થી શરૂ થઈ હતી, જે 31 મે સુધી ચાલવાની હતી. પરંતુ 28 મેના રોજ બકરી ઈદના કારણે પરીક્ષાને આગળ ઠેલવવામાં આવી છે. હવે આ બાકી રહેલી પરીક્ષાઓ 31 મે, 6 જૂન અને 7 જૂનના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. એનટીએ દ્વારા અપાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, આ વર્ષે દેશભરમાંથી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ યુજી પરીક્ષા માટે કુલ 15,68,866 ઉમેદવારોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Exit mobile version