Site icon Revoi.in

ગુજરાતમાં 40.53 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, હવે વરસાદ ખેંચાતા ખેડુતોની વધી ચિંતા

Social Share

અમદાવાદ : ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાને લીધે વરસાદ પડતા અને ત્યારબાદ જેઠ મહિનાના પ્રારંભે પડેલા વરસાદને કારણે મોટાભાગના ખેડુતોએ વાવણીનું કામ પૂર્ણ કરી દીધું હતું, હવે વરસાદની ભારે ખેંચ વર્તાઈ રહી છે. એ કારણે હવે કેટલાક વિસ્તારોમાં ફેર વાવેતર કરવું પડે તેવા સંજોગો ઉભા થયા છે. ખાસ કરીને ઓછાં વરસાદવાળા કે વરસાદ નથી પડયો ત્યાં ઓરવીને કરેલાં વાવેતરમાં તો ઘણું નવું વાવેતર કરવું પડે તેમ છે. વરસાદ હજુ અઠવાડિયા સુધી પડે તેમ નથી એટલે ખેડૂતો પણ ચિંતામાં પડી ગયા છે.

ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ગત તા. 5 જુલાઈના રોજ જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે 40.53 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થઈ ચૂક્યું છે. ગયા વર્ષે આ આંકડો 40.88 લાખ હેક્ટર હતો. આમ સરેરાશ 85.54 લાખ હેક્ટરનું વાવેતર થાય છે તેની તુલનાએ કુલ વિસ્તાર 47 ટકા જેટલો આવરી લેવાયો છે. જોકે હવે સમસ્યા વરસાદની છે એમ ખેડૂતો કહે છે. કપાસનું વાવેતર અત્યાર સુધીમાં પાછલાં વર્ષ કરતા વધારે થઈ ચૂક્યું છે. ગુજરાતભરમાં 16.50  લાખ હેક્ટરમાં વિસ્તાર આવરી લેવાયો છે. ગયા વર્ષમાં 15.71 લાખ હેક્ટર વાવેતર હતું. ખેડૂતોએ આ વર્ષે મગફળી કરતા કપાસ વધારે વાવવાનું પસંદ કર્યું છે.

કપાસનો વિસ્તાર વધી જતા મગફળી પાછળ રહી ચૂકી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 14.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે પાછલા વર્ષમાં 16.36 લાખ હેક્ટર હતુ. આ વર્ષે કુલ વિસ્તાર 17-18 લાખ હેક્ટર સુધી સિમિત રહે તેવી શક્યતા છે. ખેડૂતોએ સોયાબીનને પણ પસંદ કર્યા છે એ કારણે વાવેતર બમણાંથી નજીક પહોંચવા આવ્યું છે. ગયા વર્ષમાં 78 હજાર હેક્ટરમાં વાવણી હતી તેની તુલનાએ 1.26 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. તેલીબિયાંમાં તલના વાવેતર પણ કપાયા છે. અત્યાર સુધીમાં 324,24 હેક્ટરમાં વાવેતર થયું છે. જે પાછલાં વર્ષમાં 44,126 હેક્ટર હતું. હવે એરંડાનાં વાવેતર ધીરે ધીરે વધવા લાગ્યાં છે. ગયા વર્ષના 300 સામે આ વખતે 3,606 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે.

ડાંગરનો વાવેતર વિસ્તાર સામાન્યની તુલનાએ ફક્ત સાત ટકા આવરાયો છે. અત્યાર સુધીમાં 65,589 હેક્ટરમાં વાવેતર થઈ શક્યું છે. જે ગયા વર્ષમાં 56,753 હેક્ટર હતું. બાજરીનું ઘટીને 43,690 હેક્ટર રહ્યું છે. મકાઈનો વિસ્તાર 1.63 સામે 1.20 લાખ હેક્ટર રહ્યો છે. ખેડૂતોને આ વર્ષે તુવેરનું આકર્ષણ અન્ય કઠોળની તુલનાએ વધારે રહ્યું છે. તુવેરના ભાવ સારા મળે છે અને માવજત ઓછી છે એ કારણે 93,534 હેક્ટરમાં વાવેતર થયું છે. જે પાછલાં વર્ષે 53,604 હેક્ટર હતું. મગનો વિસ્તાર 13,271 હેક્ટર સામે 18,451 હેક્ટર રહ્યો છે જ્યારે અડદનું વાવેતર મોટાપાયે વધતા 20,309 હેક્ટર સામે 42,470 હેક્ટર રહ્યું છે. સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો છે એની અસર કઠોળના વિસ્તાર પર જોવા મળી છે.

Exit mobile version