આજની ભાગદોડભરી જિંદગીમાં થાક, નબળાઈ કે શરીરમાં સુસ્તી અનુભવાવી એ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. મોટાભાગના લોકો તેને માનસિક તણાવ, અપૂરતી ઊંઘ અથવા વધુ પડતા કામનું પરિણામ માનીને નજરઅંદાજ કરી દે છે. પરંતુ, આરોગ્ય નિષ્ણાતોના મતે ઘણી વખત આ સામાન્ય દેખાતા લક્ષણો શરીરમાં કોઈ મહત્વપૂર્ણ પોષક તત્વની ઉણપનો સંકેત હોઈ શકે છે. આવી જ એક મુખ્ય સમસ્યા છે ‘વિટામિન-ડી’ની કમી, જે શરૂઆતના તબક્કામાં કોઈ ખાસ દેખીતા લક્ષણો વિના શરીરમાં ઘર કરી જાય છે. તબીબોના જણાવ્યા અનુસાર, વિટામિન-ડીની ઉણપના શરૂઆતના સંકેતો એટલા સામાન્ય હોય છે કે લોકો તેને રોજિંદા જીવનનો થાક સમજીને ભૂલ કરી બેસે છે. લાંબા ગાળે હાડકાં અને સમગ્ર સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે સમયસર આ લક્ષણોને ઓળખવા અત્યંત જરૂરી છે.
-
વિટામિન-D ની કમીના મુખ્ય લક્ષણો
સતત થાક અને સુસ્તી: જો પૂરતી ઊંઘ અને આરામ કરવા છતાં પણ આખો દિવસ શરીરમાં ઉર્જાનો અભાવ વર્તાતો હોય અને શરીર સતત થાકેલું રહેતું હોય, તો તે વિટામિન-ડીની કમી હોઈ શકે છે.
સ્નાયુઓમાં નબળાઈ: સ્નાયુઓની તાકાત ઓછી થવી એ પણ એક મોટો સંકેત છે. ખાસ કરીને સાથળ, કમર અથવા પગમાં ભારેપણું લાગી શકે છે. લોકો તેને વધતી ઉંમર કે કસરતનો અભાવ માને છે, પરંતુ વાસ્તવમાં વિટામિન-ડી સ્નાયુઓની કાર્યક્ષમતા માટે બહુ મહત્વનું છે.
શરીર અને હાડકાંનો દુખાવો: કોઈ દેખીતા કારણ વિના જ શરીરમાં કળતર, અકડામણ કે હાડકાંમાં સતત ઝીણો દુખાવો રહેવો તે ચિંતાજનક છે. તબીબોના મતે વિટામિન-ડી શરીરમાં કેલ્શિયમને પચાવવામાં મદદ કરે છે. તેની ઉણપથી હાડકાં નબળાં પડે છે અને સાંધાનો દુખાવો વધે છે.
વાળ ખરવા અને મૂડ સ્વિંગ: કેટલાક લોકોમાં તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. ચિડચિડાપણું, ઉત્સાહનો અભાવ, મન ઉદાસ રહેવું કે અચાનક વધુ પડતા વાળ ખરવા એ વિટામિન-ડીની ઉણપના કારણે હોઈ શકે છે, જેને લોકો માત્ર તણાવ સમજી બેસે છે.
વારંવાર બીમાર પડવું: જો તમને વારંવાર શરદી-ઉધરસ કે અન્ય ઈન્ફેક્શન થઈ જતા હોય અને તે મટવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગતો હોય, તો તેનો અર્થ એ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે. વિટામિન-ડી ઈમ્યુનિટી મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
-
કોના માટે સૌથી વધુ જોખમ?
તબીબોના જણાવ્યા અનુસાર, જે લોકો મોટોભાગનો સમય ઘર કે ઓફિસની અંદર વિતાવે છે અને સૂર્યપ્રકાશ (ધૂપ) ના સંપર્કમાં બિલકુલ નથી આવતા, તેમનામાં વિટામિન-ડીની કમીનું જોખમ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત વૃદ્ધો, સગર્ભા મહિલાઓ, મેનોપોઝ પછીની મહિલાઓ અને પ્રદૂષિત વિસ્તારોમાં રહેતા લોકો આ સમસ્યા પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.

