Site icon Revoi.in

ભૂજમાં સતત વરસાદને પગલે APMCમાં પડેલાં ખેડૂતોના માલને નુકસાન

Social Share

ભૂજઃ કચ્છમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે ભૂજમાં માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં પડેલો લાકો રૂપિયાનો માલ પલળી જતાં માર્કેટ યાર્ડના સત્તાધિશો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ભૂજમાં 2 ઇંચ વરસાદ પડી જતા અનાજના હોલસેલ વેપારીઓને અને ખેડૂતો નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદની આગાહી હોવા છતાં ભુજ APMCના હોદેદારો દ્વારા માલની સલામતી માટે વ્યવસ્થા ના કરવામાં આવતા લાખો રૂપિયાનો ખાદ્ય માલ પલળી જવા પામ્યો છે.

રાજ્યમાં આ વખતે અષાઢના પ્રારંભ પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ છે. બીજીબાજુ સરકારે કોરોનાને લીધે મુકેલા નિયંત્રણો હળવા કરતા તમામ માર્કેટ યાર્ડ થોડા દિવસ પહેલા જ શરૂ થયા છે. અને ખેડુતો ઉનાળું પાક વેચવા માટે આવતા રાજ્યભરના માર્કેટ યાર્ડ્સ ખેત જણસોથી ઊભરાઈ ગયા છે. રાજ્યના ઘણા માર્કેટ યાર્ડ્સમાં પુરતા શેડ હોવાને લીધે વરસાદના સમયમાં પણ માલ પલળતો નથી. જ્યારે ભૂજના માર્કેટ યાર્ડમાં પુરતા શેડ નથી. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી છતાં યાર્ડમાં માલ બચાવવા માટે કોઈ પગલાં લેવાયા નહોતા એવું વેપારીઓનું કહેવું છે. ભુજ ખાતેની APMCમા ખેડૂત અને વેપારીઓના માલ રાખવા માટે સેડની પૂરતી વ્યવસ્થા ના હોવાના કારણે દર વખતે ખેડૂત અને વેપારી ના માલ ચોમસાની સીઝનમાં ખુલ્લામાં રહી જવાથી પલળીને બગડી જાય છે, જેના કારણે લાખો રૂપિયાની નુકશાની વેઠવી પડે છે. આજ બેદરકારીનો રવૈયો આ વર્ષે પણ યથાવત રહેતા માલમાં નુકશાની પહોંચી છે. આ માટે તંત્ર યોગ્ય સવલત ઉભી કરે એવી માંગ ઊઠી છે.