Site icon Revoi.in

કર્ણાટકમાં શાળાના પાઠ્યપુસ્તકોમાંથી હેડગેવારજીના પ્રકરણો દૂર કરવાનો નિર્ણય

Social Share

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ કોંગ્રેસે સત્તા સંભાળ્યા બાદ હવે ભાજપની પૂર્વ સરકારના કેટલાક કાયદા દૂર કરવાની કવાયત શરૂ કરી છે. કર્ણાટકમાં સરકાર બદલાયા બાદ પાછલી સરકારના કાયદાને ઉથલાવી દેવાનું કામ શરૂ થઈ ગયું છે. આ ક્રમમાં, કર્ણાટક કેબિનેટે અગાઉની ભાજપ સરકાર દ્વારા રજૂ કરાયેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં કર્ણાટકના શિક્ષણ પ્રધાન મધુ બંગરપ્પાએ માહિતી આપી હતી કે રાજ્યએ શાળાના પાઠ્યપુસ્તકોમાંથી RSSના સ્થાપક કેબી હેડગેવાર અને અન્ય લોકો પરના પ્રકરણો દૂર કરવાનો નિર્ણય લીધો છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો અને કોંગ્રેસે સત્તા સંભાળી છે. કર્ણાટકમાં કોંગ્રેસના વિજય બાદ કોંગ્રેસના સિનિયર નેતાઓએ ભાજપના શાસનમાં બનાવેલા કાયદાઓ દૂર કરવાની કવાયત શરૂ કરી હતી. એટલું જ નહી મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટક કોંગ્રેસના સિનિયર નેતા પ્રિયાંક ખડગેએ પૂર્વ ભાજપના કેટલાક કાયદા દૂર કરવાના સંકેત આપ્યાં હતા. હિજાબ સહિતના મુદ્દા ઉપર તેમણે નિવેદન કરીને કાયદા દૂર કરવા અંગે સંકેત આપ્યાં હતા. પુસ્તકમાંથી કેબી હેડગેવારજીના પાઠને હટાવવા પર ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.

બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ શિક્ષણ મંત્રી બીસી નાગેશે વળતો જવાબ આપતા કહ્યું છે કે સિદ્ધારમૈયાની સરકાર હિન્દુઓની વિરુદ્ધ છે. કર્ણાટકના પૂર્વ શિક્ષણ મંત્રી બીસી નાગેશે કહ્યું, “તેઓ (કોંગ્રેસ) મુસ્લિમોના વોટ ઈચ્છે છે. મૂળભૂત રીતે સિદ્ધારમૈયાની સરકાર હિંદુઓ વિરુદ્ધ છે. તેઓ અમારી સંસ્કૃતિને બચાવવા માટે અમે જે કંઈ કર્યું છે તેની વિરુદ્ધ જઈ રહ્યા છે. બીસી નાગેશે વધુમાં કહ્યું, “તેઓ (કોંગ્રેસ) હંમેશા ત્રણ વાતો કહેતા રહે છે. તેઓ મુસ્લિમોના મત મેળવવા માટે ગૌહત્યાની વાત કરે છે. તેઓ હિજાબ વિશે વાત કરી રહ્યા છે… તેઓએ મુસ્લિમોને વચન આપ્યું છે કે અમે હિજાબ લાવવાના છીએ. ત્રીજી વાત ધર્માંતરણની છે. આ બધું એટલા માટે કે તેઓ લઘુમતી મતદારોને આકર્ષવા માગે છે અને દરેક બાબતનું રાજકારણ કરવા માગે છે.